પ્રજાના મનની વાત સાંભળીને અમે સરકાર ચલાવીશું : રાહુલ ગાંધી
પાવી-જેતપુર,તા.૮
પાવી-જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં વિશાળ આદિવાસી સંમેલન યોજાયું હતું. જેમાં રાહુલ ગાંધીએ ચૂંટણી જીતતાની સાથે દસ જ દિવસમાં ખેડૂતોના દેવા માફ કરવાનું એલાન કર્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાના પાવી-જેતપુર ખાતે વિશાળ આદિવાસી સંમેલનમાં રાષ્ટ્રીય કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમે જનતાની મનની વાત સાંભળી (ચૂંટણી ઢંઢેરો) બનાવ્યો છે. જયારે ભાજપાવાળાઓ આવતા પાંચ વર્ષમાં શું કરવા માગે છે તે માટેનો હજુ સુધી ચૂંટણી ઢંઢેરો તૈયાર જ કર્યો નથી. નરેન્દ્ર મોદી દુનિયાની વાતો કરે છે. પરંતુ ગુજરાતના ભવિષ્યની વાત જ કરતા નથી.અમે કોંગ્રેસવાળાઓએ પાછલા છ માસમાં ગુજરાતના યુવાન, ખેડૂત, આદિવાસી, મહિલાઓ, મજૂરો વગેરે સાથે ૩૦૦થી ૪૦૦ જેટલી મીટિંગો કરી તેઓના મનની વાત સાંભળી ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો છે. તેમજ આગળ પણ તમારા મનની વાત પ્રમાણે જ સરકાર ચલાવીશું.
ખરેખર આદિવાસીઓને જળ, જંગલ, જમીન મળવી જોઈએ તે મળતી નથી. ભાજપાએ આદિવાસીઓ પાસેથી ૬.પ લાખ એકર જમીન છીનવી લીધી છે. તેઓને યોગ્ય વળતર પણ આપ્યું નથી. ગુજરાતની પ્રજાનો શું વાંક છે કે નજીકથી પસાર થતી નર્મદા કેનાલનો લાભ આપવામાં આવતો નથી. ટાટા નેનોની વાત કરી ઉદ્યોગપતિને જ ૩૩ હજાર કરોડનો ફાયદો કરાયો હોવાની વાત કરી હતી.
મોદીએ ર૦૦૭માં આદિવાસીઓ માટે ૧પ હજાર કરોડની વાત કરી હતી જે આદિવાસીઓને ફાળવી ન શકતા ર૦૧રમાં ૪૦ હજાર કરોડની વાત કરી હતી. આમ આદિવાસીઓને પપ હજાર કરોડ મળ્યા છે ? આવો જનતાને વેધક સવાલ કર્યો હતો. ખેડૂતો દેવા માફીની માગ કરે છે પરંતુ મોદી સરકારને સંભળાતી જ નથી. (જીએસટી) ગબ્બરસીંગ ટેક્ષ ર૮ ટકાનો સ્થાને ઓછો કરવો જોઈએ. પેટ્રોલ, ડીઝલને જીએસટીમાં લઈ જનતાને ફાયદો કરાવવો જોઈએ.
જયેશ શાહના ભ્રષ્ટાચારની વાત કરી નરેન્દ્ર મોદી ચોકીદાર હોઈ હવે તે ન બોલુંગા ન બોલને દુંગા’નું સ્લોગન અપનાવી લીધાના પ્રહાર કર્યા હતા. નરેન્દ્ર મોદી અમારા વિશે ગમે તેવી ભાષા વાપરે છે, ગંદીભાષાઓનો પ્રયોગ કરે છે. પરંતુ નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન હોઈ વડાપ્રધાનની ખુરશી (પદ)નો આદર કરી કોઈપણ બોલતા નથી અને બોલીશું પણ નહીં.નરેન્દ્ર મોદી માટે અપશબ્દ બોલનાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયર ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે કોંગ્રેસ શિસ્તને વરેલી છે. તેમ જણાવ્યું હતું ગુજરાતમાં ચૂંટણી કોંગ્રેસને જનતા જ જીતાડશે ઉપસ્થિત જનમેદનીને આંધી સાથે સરખાવી હતી.
Source: http://www.gujarattoday.in/prajana-man-ni-vat-sambhline/