ર૦૧૯માં રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે અને ભારતના ચહેરા તરીકે ઉભરી આવશે : એમ વીરપ્પા મોઈલી

Oct 14, 2017

(એજન્સી) હૈદરાબાદ, તા.૧૩
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના નેતૃત્વ દ્વારા ગુજરાતમાં સત્તા પર આવવાની પોતાના પક્ષને આશા આપી છે. તેમ વરિષ્ઠ નેતા એમ. વીરપ્પા મોઈલીએ જણાવ્યું હતું. જો કે તેમણે તે સ્પષ્ટતા કરી ન હતી કે હિમાચલ પ્રદેશમાં ૯ નવેમ્બરના રોજ યોજાવા જઈ રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બનશે કે નહીં. પૂર્વ કેન્દ્રીય મંંત્રીએ વિશ્વાસપૂર્વક જણાવ્યું કે રાહુલગાંધી ર૦૧૯માં દેશનો ચહેરો અને વડાપ્રધાન બનશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ગણતરીના મહિનાઓમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આશા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે પશ્ચિમી રાજ્યોમાં પક્ષ ફરીથી સત્તા પર આવશે. ગુજરાતની વાત છે તો રાહુલજીએ ત્યાંની ખૂબ જ પ્રબળ મુલાકાત લીધી હતી. વાસ્તવિક રૂપે ભાજપ સત્તા પર આવ્યા પહેલાં ગુજરાત કોંગ્રેસનું રાજ્ય હતું પરંતુ મને લાગે છે કે કોંગ્રેસ ભારે ઉત્સાહ સાથે ચોક્કસપણે પોતાના વિજયનું પુનરાવર્તન કરશે કારણ કે ગુજરાતમાં નેતૃત્વ કરવાની અમારી પાસે તક છે. અને રાહુલજીએ અમને આશા પણ આપી છે. કોંગ્રેસ બંને રાજ્યોમાં વાપસી કરશે.

કોંગ્રેસ આગેવાને કહ્યું કે સંસ્થાકીય ચૂંટણી તેના અંતિમ તબક્કામાં છે. પક્ષના અધ્યક્ષ બનવા અંગે તેમણે કહ્યું કે રાહુલ પક્ષના અધ્યક્ષ બનશે. તે પછી ધરમૂળથી પરિવર્તન આવશે અને તેઓ પક્ષનો નવો ચહેરો બનશે. પક્ષ અને સરકાર બંનેનો તેમને પૂરતો અનુભવ છે. ર૦૧૯માં તેઓ દેશનો વાસ્તવિક ચહેરો બનશે અને વડાપ્રધાન તરીકે વાપસી કરશે તેમ મોઈલીએ જણાવ્યું હતું.

કોંગ્રેસની સત્તા વિષયક સમસ્યાઓ અંગે તેમણે જણાવ્યું કે પક્ષના વિરોધીઓએ અગાઉ પણ આવી દલીલો કરી છે. અમને તેની ચિંતા નથી. જ્યારે પણ જનતાએ વિચાર્યું કે હવે કોંગ્રેસનો અંત આવી ગયો છે ત્યારે કોંગ્રેસ ઉભરી આવ્યું છે. સપ્ટેમ્બરમાં મોઈલીએ એવા સંકેતો આપ્યા હતા કે રાહુલ પક્ષના અધ્યક્ષ બનશે. તે સમયે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં બધાને લાગે છે કે તેમની ઉન્નતિમાં વિલંબ થયો છે. હવે તેઓ સંસ્થાકીય ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે. તેઓને ફક્ત ચૂંટણીની પ્રક્રિયા દ્વારા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ તરીકે ઉભરી આવવું ગમશે.

Source: http://www.gujarattoday.in/2019-ma-rahul-gandhi-vadapradhan-banshe/