ઊંઝાના મહિલા કોંગ્રેસ સંમેલનમાં ૩૦૦૦થી વધુ મહિલાઓ ઉમટી

– કોંગ્રેસે ઉમિયા માતાજી મંદિરે દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૃ કર્યો આગામી ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપવા મહિલાઓને હાકલ

ઊંઝા, તા. ૧ રવિવાર, ઓક્ટોમ્બર 2017 ઊંઝામાં આજે યોજાયેલા જિલ્લા મહિલા કોંગ્રેસના સંમેલનમાં ૩૦૦૦ ઉપરાંત મહિલાઓ ઉમટી પડતાં સુષુપ્ત કોંગ્રેસમાં નવું જોમ આવ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં મહિલા કાર્ડ ખેલવાના ભાગરૃપે આજે જિલ્લામાં પ્રથમવાર યોજાયેલા મહિલા સંમેલનમાં કોંગ્રેસે સરકાર રચવા સમર્થન આપવા અપીલ કરી છે.ઊંઝામાં પાટીદારોએ જ્ય સરદાર જ્ય પાટીદારના નારા લગાવી કોગ્રેસી આગેવાનો ને જ્ય સરદારની ટોપા પહેરાવી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસે ઊંઝા મત વિસ્તારમાં મહિલા સંમેલન યોજીને પ્રચારના શ્રીગણેશ કર્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ચૂંટણી પ્રચાર કમિટીના ચેરમેન સિધ્ધાર્થભાઈ પટેલ, ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસના પ્રમુખ સુસ્મિતાદેવ, સહિત કોંગ્રેસના હોદ્દેદારોએ આજે સવારે શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતે મા ઉમાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. સંસ્થાના મંત્રી દિલીપભાઈ નેતાજી તથા હોદ્દેદારોએ આગેવાનોનું સ્વાગત કર્યું હતું.

ઊંઝામાં રમણવાડી ખાતે યોજાયેલા જિલ્લા કોંગ્રેસ મહિલા સંમેલનમાં ઊંઝા વિધાનસભા વિસ્તારમાંથી ૩૦૦૦ ઉપરાંત મહિલાઓ ઉમટી પડી હતી. પ્રસંગે ભાજપાના વચનો ઉપર આકરા પ્રહાર કરતાં સિધ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલમાં વિકાસના નામે વાતો કરી વિકાસને ગાંડો કરી નાખ્યો છે. મહિલાઓને આગામી ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપવાની હાકલ કરી હતી. મહિલાઓને પોતાનું ઘર, મફત શિક્ષણ, મહિલા સુરક્ષા, સ્વરોજગારી જેવી અનેક સગવડો કોંગ્રેસની સરકાર પુરી પાડશે તેવી ખાત્રી સિધ્ધાર્થભાઈ પટેલે આપી છે.

સાથે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ નોટબંધી જીએસટી બાબતે ભાજપાના પગલાની ટીકા કરી મહિલાઓને સંસદમાં ૩૩ ટકા અનામત આપવા ભાજપાને અનુરોધ કર્યો છે. ૧૬ કલાક વીજળીથી માંડીને ખેડૂતોના દેવા નાબુદી જેવા પગલાની પણ હિમાયત કરી મહિલાઓને રાજકારણમાં આગળ આવવા અનુરોધ કર્યો હતો. મહિલાઓ પાસે વહીવટ આવે તો ભ્રષ્ટાચાર પણ નાબુદ થઈ શકે તેવી અપીલ કરી મહિલા સશક્તિકરણ માટે અનુરોધ કર્યો હતો.

ઊંઝા યોજાયેલા મહિલા સંમેલનમાં જિલ્લામાં મહિલા સીટ ફાળવાય તો ડો. આશાબેન પટેલનું નામ ચર્ચાસ્પદ રહ્યું છે. જોકે ઊંઝામાં આજથી શ્રી ગણેશ થયેલા કોંગ્રેસના પ્રચારમાં મહિલા અધિવેશનને સફળતા મળતા કોંગ્રેસમાં પ્રાણ ફુંકાયા છે. મહિલા કાર્ડ કોંગ્રેસ માટે સાંકળ બને તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/north-gujarat/more-than-3-000-women-in-unjha-women-s-congress-convention