કોંગ્રેસની સરકાર આવશે તો અમે ઘર વિહોણી ગૃહિણીઓને ઘરનું ઘર અાપીશું

Oct 02, 2017, 04:09 AM IST

ઊંઝામાં મહિલા કોંગ્રેસના સંમેલનમાં પ્રદેશ પ્રમુખની જાહેરાત

ઊંઝા: ઊંઝાની રમણવાડીમાં રવિવારે મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સભાને સંબોધતાં જણાવ્યું કે, કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોને સિંચાઇ માટે મફત પાણી, ઘરવિહોણી ગૃહિણીને ઘરનું ઘર, મહિલાઓને શિક્ષણ, સ્વરોજગાર આપી પુરુષ સમોવડી બનાવીશું મહિલા આરક્ષણનો અધિકાર 33 ટકા હોવો જોઈએ એ રાજીવ ગાંધીની દેન છે. આરએસએસની મહિલા વિરોધી નીતિ આધારે ચાલતી આ સરકારને જડમૂળથી ઉખેડી ફેંકવા એકમત થઇ નવસર્જન ગુજરાતને જંગી બહુમતીથી વિજયી બનાવવા હાકલ કરી હતી.

સંમેલનમાં કેમ્પેઇન કમિટીના ચેરમેન સિદ્ધાર્થ પટેલ, રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના સુસ્મિતા દેવ સહિતે પ્રાસંગિક પ્રવચનમાં આ સરકારમાં મહિલા આરક્ષણ, બેટી બચાવો- બેટી પઢાવો વગેરે માત્ર કાગળ ઉપરની વાત રહી છે. મહિલાઓનું જીવન સુરક્ષિત, સ્વમાનભેર નથી રહ્યું. પોકળ વાયદાઓ સાથે કરેલી વિકાસની વાતોથી હવે તો વિકાસ ગાંડો થઇ ગયો છે. 22 વર્ષથી ગુજરાતમાં અને 3 વર્ષ ઉપરાંતનું દેશમાં ભાજપનું શાસન હોવા છતાંય રોલ મોડેલ નથી બની શક્યું.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને બધા ખેડૂતો સમૃદ્ધ દેખાય છે, એ ખેડૂતોના દેવા માફ કરવાની તરફેણમાં નથી તેવા પ્રહારો ભાજપ સરકાર પર કર્યા હતા. સંમેલનમાં એસપીજી ગૃપ ઊંઝાના 25થી વધુ પાટીદારોએ જય પાટીદારના નારા સાથે ભરતસિંહ, સિદ્ધાર્થ પટેલ સહિત મંચસ્થ મહાનુભાવોને જય સરદારની ટોપી પહેરાવી હતી. ભરતસિંહે સમારંભના અંત સુધી ટોપી માથે રાખી હતી.

Source: https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-if-congress-comes-to-power-we-will-get-home-based-homes-for-home-based-housewive-570977.html