૨૦૧૨ કરતા આ વખતે વડોદરા શહેર- જિલ્લામાં કોંગ્રેસનો જનાધાર વધ્યો
વડોદરા તા. 22 ડિસેમ્બર 2017, શુક્રવાર
ગુજરાત વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વડોદરા શહેર જિલ્લાનું મતદાન ૨૦૧૨ની ચૂંટણી કરતાં થોડુંક ઓછું હતુ. પરંતુ તે વખતે કોંગ્રેસના ઉમેદવારોને જે મત મળ્યા હતા. તેના કરતા આ વખતે વધુ મત મળતાં એમ કહી શકાય કે કોંગ્રેસના જનાધારમાં વધારો થયો છે.
૨૦૧૨માં કોંગ્રેસને શહેર-જિલ્લાની ૧૩માંથી ૨ બેઠક મળી હતી. જ્યારે આ વખતે શહેર-જિલ્લાની ૧૦માંથી ૨ બેઠકમળી છે, મતલબ કોંગ્રેસે બે બેઠક જાળવી રાખી છે, પણ ભાજપે બે બેઠક ગુમાવી છે. ૨૦૧૨ની ચૂંટણીમાં વાઘોડિયામાં ૨૦૧૨માં કોંગ્રેસના ઉમેદવાર જંગમાં હતા, પરંતુ આ વખતે બીટીપી સાથે કોંગ્રેસનું ગઠબંધન થતા કોંગ્રેસના ઉમેદવાર સ્પર્ધામાં ન હતા.
જ્યારે વડોદરા-સયાજીગંજમાં કોંગ્રેસના ઉમેદવારની લગોલગ આરએસપીના ઉમેદવાર રહેતા તેણે ભાજપ અને કોંગ્રેસના બંને મતોને નુકશાન કર્યું છે. આ સિવાય દશમાંથી આઠ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોને ગઇ ચૂંટણી કરતા વધુ મતો મળ્યા છે.
આમ, જિલ્લામાં પાદરા ઉમેદવારને સૌથી વધુ મતો મળ્યા છે. જોકે સયાજીગંજના કોંગી ઉમેદવારને આ વખતે ૪૦૮૨૫ મત મળ્યા છે ૨૦૧૨ ના ઉમેદવારને તેના કરતા વધુ ૪૯૧૨૧ મતો હતા.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/this-year-vadodara-city-congress-increased-its-membership-in-the-district