મોંઘવારીના માર વચ્ચે વીજળીના બિલમાં ખાનગી કંપનીઓની લૂંટ : સૂરજેવાલા

ગુજરાતમાં સામાન્ય લોકો એક તરફ મોંઘવારીનો માર પડી રહ્યો છે ત્યારે ખાનગી વીજ કંપનીઓ પણ વીજ બિલમાં લૂંટ ચલાવી રહી છે. સરકારે ખાનગી વીજ કંપનીઓના ખિસ્સા ભરી દીધા છે અને વીજ બિલનો ઝટકો ગુજરાતની પ્રજા સહન કરી રહી છે. આ આક્ષેપ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ લગાવ્યો છે.ભાજપે વીજળી ક્ષેત્રના ભ્રષ્ટાચાર અંગે જવાબ આપવો જોઈએ.

તેમણે કહ્યું કે, ભાજપ પાવર પર્ચેઝ પ્લાન્ટ છે. ૪ ખાનગી કંપનીઓ અદાણી, એસ્સાર, ટાટા અને ચાઈના લાઈટ પાવર કંપનીને ગુજરાત સરકારે કમાવાનો પરવાનો આપ્યો છે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૨થી ૨૦૧૪ સુધીમાં આ ચાર ખાનગી કંપનીઓ પાસેથી ૬૨,૫૪૯ કરોડની વીજ ખરીદી કરવામાં આવી હતી. જે અત્યાર સુધીની સૌથી મોટી ખરીદી છે. ગુજરાતમાં સરકારી વીજ કંપનીઓની ક્ષમતામાં પણ વૃદ્ધિ થઈ નથી.

૨૦૧૪-૧૫માં ૩૩ ટકા, ૨૦૧૫-૧૬માં ૩૫ ટકા અને ૨૦૧૬-૧૭માં ૩૨ ટકા વીજ ઉત્પાદન થયું હતું. કોંગ્રેસના શાસનમાં ૧૯૯૧-૯૨માં ૫૭, ૯૨-૯૩માં ૬૩ ટકા, ૯૩-૯૪માં ૬૭ ટકા વીજ ઉત્પાદન થતું હતું. ભાજપ સરકાર ખાનગી વીજ કંપનીઓ પાસેથી યુનિટે ૨૪-૨૫ રૃપિયા ભાવે વીજળી ખરીદે છે જ્યારે સરકારી વીજ કંપની એનટીપીસી ૨.૮૮ પૈસે વીજળી પૂરી પાડે છે. સરકાર શું કામ ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદે છે તેનો જવાબ આપવો જોઈએ. આ ભાજપનું એક મોટું ષડયંત્ર છે અને ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે. ભાજપે આ મુદ્દે જવાબ આપવો જોઈએ.

Source: http://sandesh.com/r-surjewala-targets-bjp-about-electricity-bill-says-taking-very-high-charge/