સોશિયલ મીડિયાની રાજકીય લડાઈ હવે રસ્તા પર આવી

– સુરતના કેટલાક વિસ્તારમાં ભાજપ વિરોધી-તરફી પોસ્ટર વોર શરૂ

વરાછા વિસ્તારમાં ભાજપની ગૌરવ યાત્રાને કૌરવ યાત્રા સાથે સરખાવતા બેનર

(પ્રતિનિધિ દ્વારા) સુરત, 2 ઓક્ટોબર 2017 સોમવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સોશિયલ મીડિયામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે શરૂ થયેલી રાજકીય લડાઈ હવે રસ્તા પર આવી છે.

સુરતના કેટલાક વિસ્તારમાં ભાજપ તરફી તો કેટલાક વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર લાગતા રાજકીય માહોલ ગરમાયો છે.

શહેરના પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર મોડી રાત્રીના લાગી ગયાં છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સોશિયલ મીડિયાથી બહાર આવીને રસ્તા પર ઉતરી આવ્યા છે. શહેરના પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં મોડી રાત્રે ભાજપની ગૌરવયાત્રાને કૌરવ યાત્રા સાથે સરખાવતા બેનર લાગી ગયાં છે.

આ બેનરોમાં પાટીદાર આંદોલન દરમિયાન થયેલો લાઠી ચાર્જ, નલિયા કાંડ વિગેરે મુદ્દા ઉઠાવીને ભાજપ સામે અણિયારા સવાલ કરવામાં આવ્યા છે.

આવા પ્રકારના બેનર પોસ્ટરના કારણે સુરતનું રાજકારણ ગરમાયું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા શહેરના એક વિસ્તારમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે પોસ્ટર બેનર યુધ્ધ વધુ આક્રમક બને તેવી શક્યતા નકારી શકાતી નથી.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/surat/political-battles-of-social-media-are-now-on-the-road