ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદીએ ૧૦૦ પ્રવાસો કોના ખર્ચે કર્યા ? કોંગ્રેસનો સવાલ
નવી દિલ્હી, તા. ૧૮ બુધવાર, ઓક્ટોબર 2017
ભાજપે રોબર્ટ વાડરા પર શસ્ત્રોના સોદાગર સાથે સંબંધો ધરાવવાના આક્ષેપો કર્યા બાદ કોંગ્રેસે વડાપ્રધાન પર આક્ષેપ કરતા સવાલ કર્યો હતો કે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીએ દેશ-વિદેશના ૧૦૦ પ્રવાસો ખાનગી વિમાનમાં કર્યા હતા આ વિમાન કોના હતા અને ભાડું કોણે ચૂકવ્યું.
કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ ભાજપ પર સોનિયા ગાંધી સામે બદલાનું રાજકારણ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. અભિષેક સિંઘવી અને ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ૨૦૦૩થી ૨૦૦૭ સુધીમાં ગુજરાતના મુખ્યમંત્રી મોદીએ દેશ- વિદેશના કરેલા પ્રવાસોની યાદી જાહેર કરી હતી. આ પ્રવાસ માટે સરકાર કે ભાજપે નાણાં નહોતા આપ્યા.
વડાપ્રધાન મોદીના પ્રવાસની આ માહિતી આરટીઆઇ હેઠળ મળેલી હતી. પ્રવાસમાં દેશના પ્રવાસ માટે ૧૬.૫૬ કરોડ અને વિદેશ પ્રવાસમાં ૩ કરોડ વપરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ભાજપે રોબર્ટ વાડરા પર ભાગેડુ શસ્ત્રોના સોદાગરના ખર્ચે વિદેશ પ્વરાસ કર્યો હોવાના આક્ષેપો છે. એક ટી.વી. ચેનલે પ્રમાણિત કરેલા સમાચારને આધારે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને ૨૦૧૨માં વાડરાએ શસ્ત્રોના સોદાગર ભંડારીના ખર્ચે વિદેશ પ્રવાસ કર્યાનો આક્ષેપ કર્યા હતા.
કોંગ્રેસે સવાલ કર્યો હતો કે મુખ્યમંત્રી જેવા બંધારણીય પદ પરની વ્યક્તિઓ માટે ખાનગી વિમાનના રૃપિયા ૧૬.૫ કરોડ કોણે ખર્ચ્યા છે તે સવાલ તેમ જણાવી સિંઘવીએ હરિયાણા અને રાજસ્થાનની ભાજપની સરકાર પર વાડરા સામે બદલાની ભાવના રાખી કેસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
ભાજપના અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહનો ગર્ભિત ઇશારો કરતા અભિષેક સિંઘવીએ જણાવ્યું હતું કે, ભાજપ ચૂંટણી ટાણે લોકોને ગેરમાર્ગે દોરવા મુદ્દા ઉછાળ્યા કરે છે. અભિષેક સિંઘવીએ મીડિયાને આધારે થયેલા વાડરા પરના આક્ષેપો ફગાવ્યા હતા. સિંઘવીએ કેટલાક મિડિયા ચોક્કસ પસંદ કરાયેલા સમાચારો જ પ્રસારિત કરે છે તેમ આક્ષેપ કર્યો હતો.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/as-chief-minister-of-gujarat-who-spent-100-trips-congress-question#sthash.zwaEMzDL.dpuf