નોટ અને વોટ આપનાર પાટીદારોને ભાજપે ગોળીઓથી વિંધ્યા : શક્તિસિંહ ગોહિલ

Bhaskar News, Visnagar | Last Modified – Oct 14, 2017, 03:05 AM IST

વિસનગર: વિસનગરની ગોવિંદચકલા પટેલવાડીમાં શુક્રવારે કોંગ્રેસ આયોજિત યોધ્ધાસભામાં બોલતાં રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે સરદાર પટેલનું ડીએનએ આજેપણ પાટીદારોમાં અકબંધ છે અને જે પાટીદારોએ ભાજપને નોટ અને વોટ બંને આપ્યું તે જ ભાજપે પાટીદારોને ગોળીઓથી વીંધી વિશ્વાસઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે પાટીદાર યુવકોએ શક્તિસિંહને પાટીદાર ટોપી પહેરાવી આવેદનપત્ર આપ્યું હતું.

શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રીય પ્રવક્તા ગોહિલે જણાવ્યું કે, ગુજરાતમાં 22 વર્ષના શાસનને કારણે ભાજપમાં અહંકાર આવી ગયો છે, પરંતુ અહંકાર ક્યારેય કોઇનો ટક્યો નથી. ભાજપ જ્યારે એમ કહે કે કોંગ્રેસે સરદાર પટેલને અન્યાય કર્યો છે ત્યારે તે વાત સરદાર પટેલનું અપમાન કર્યા બરોબર છે. જનતા ભોળી છે પરંતુ મૂર્ખ નથી તે ભાજપે સમજવું પડશે. આ પ્રસંગે અગ્રણીઓ સાગર રાયકા, નરેશ રાવલ, જયરાજસિંહ પરમાર, મહેશભાઇ પટેલ, કિરીટભાઇ પટેલ સહિત કાર્યકરો હાજરી રહ્યા હતા.

Source: https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-bjp-pocketed-by-voters-who-gave-note-and-vote-shaktisinh-gujarati-news-5720363-PHO.html