સરદાર પટેલ કોંગ્રેસી હતા અને રહેશે, મોદી ઇતિહાસ સાથે ચેડાં ન કરે : કોંગ્રેસ

નવી દિલ્હી, તા.31 ઓક્ટોબર, 2017, મંગળવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલ મામલે એક નિવેદન કરીને કોંગ્રેસ પર આરોપો લગાવ્યા હતા. જોકે કોંગ્રેસે પણ વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે દેશની આઝાદીમાં આરએસએસ અને ભાજપનું કોઇ જ યોગદાન નથી અને હવે તે અમારા જ નેતા સરદાર વલ્લભભાઇ પટેલને દત્તક લઇને ઇતિહાસને બદલવા માગે છે જે શક્ય નથી.

કોંગ્રેસના પ્રવક્તા ટોમ વડક્કને જણાવ્યું હતુ કે સરદાર પટેલ જેવા અમારા નેતાઓને દત્તક લેવા એ સાબીત કરે છે કે ભાજપ પાસે પોતાના કોઇ જ આવા નેતા નથી કે જેમણે દેશની આઝાદીમાં યોગદાન આપ્યું હોય. તેઓએ જણાવ્યું હતું કે સરકાર પટેલે કોના પર પ્રતિબંધ મુક્યો હતો તે ભાજપ ભુલી જાય છે. નોંધનીય છે કે સરકાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ મુક્યાના અહેવાલો આવ્યા હતા.

કોંગ્રેસે જણાવ્યું હતું કે સરદારજી સંપૂર્ણપણે કોંગ્રેસી હતા અને રહેશે. લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ન થવો જોઇએ. મોદીનું નામ લીધા વગર કોંગ્રેસે જણાવ્યું હતું કે કેટલાક લોકો કોંગ્રેસના નેતાઓને પોતાના નેતા ગણાવી ઇતિહાસને બદલવા માગે છે. પણ આ દેશની જનતા બધુ જાણે છે.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/modi-does-not-tamper-with-history-congress