રાજ બબ્બરે યોગી આદિત્યનાથ પર તાક્યું નિશાન, કેન્દ્ર સરકારને લીધી આડે હાથે

October 13, 2017 | 10:56 pm IST

વિકાસ ગાંડો થયો છે, દુરુપયોગ કરી હાલત કરાઈ બદતર
ચૂંટણી પંચ સરકારનું રમકડું
ગોરખપુરમાં રોજ માસૂમ બાળકોના મોત થઈ રહ્યા છે તેનું ગૌરવ બતાવવા યોગી આવ્યા?
ચૂંટણી પંચ ગુજરાત-હિમાચલ ચૂંટણીની સાથે જાહેરાત કરે, જૂની જાહેરાત પરત ખેંચે

કોંગ્રેસના નેતા અને ફિલ્મી કલાકાર રાજ બબ્બર, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ અને રણદીપ સૂરજેવાલાએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. રાજ બબ્બર, પૃથ્વીરાજે હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થઈ પણ ગુજરાતની ચૂંટણી જાહેર ના કરી તે બદલ કેન્દ્રીય ચૂંટણી પંચને સરકારનું રમકડું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચે મર્યાદા જાળવવી જોઈએ અને ઝૂકવું ન જોઈએ. ગુજરાતમાં ભાજપની ડૂબતી નૈયાને ચૂંટણી પંચનો સહારો લેવો પડી રહ્યો છે. વડાપ્રધાન મોદી ગુજરાત આવવાના છે, જાહેરાતો કરવાના છે, મોદીને શાંતા ક્લોઝ કહી તેમણે કહ્યું કે, જનતા જાહેરાતોને સકારાત્મક રીતે નહિ જુએ, જનતાને ખબર છે કે, શાંતા ક્લોઝ બોલે જ છે, બોલી બોલીને દેશનું નુકસાન કર્યું છે. ચૂંટણી પંચ પર આટલું દબાણ પહેલાં ક્યારેય નહોતું. ગુજરાત અને હિમાચલની ચૂંટણીઓ હંમેશાં સાથે જ જાહેર થઈ છે. કોંગ્રેસે માગ કરી છે કે, હિમાચલની ચૂંટણીની જાહેરાત પાછી ખેંચવી જોઈએ, અને બંને રાજ્યોની ચૂંટણી સાથે જાહેર કરવી જોઈએ. આ માટે અમે લડાઈ લડીશું.

રાજ બબ્બરે કહ્યું કે, ગુજરાતમાં વિકાસ ગાંડો થયો છે. વિકાસ શબ્દ ખૂબ સારો શબ્દ છે પણ તેનો દુરુપયોગ કરીને તેની હાલત બદતર કરી દેવાઈ છે. હવે ગાંડા વિકાસને ઠીક કરવાનો સમય આવી ગયો છે. ભાજપની ગૌરવ યાત્રામાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથને બોલાવાયા છે, આ રંગ ફિટ થાય છે એટલે આરએસેએસે મોકલ્યા છે. તેમણે કટાક્ષ કર્યો કે, ગોરખપુરમાં રોજ માસૂમ બાળકોના મોત થઈ રહ્યા છે, એ ગૌરવ બતાવવા યોગી આવ્યા છે? બનારસ હિન્દુ યુનિર્વિસટીમાં પોલીસ વિદ્યાર્થીઓને દંડા મારે છે તેનું ગૌરવ દેખાડવા ગુજરાતમાં યોગી આવ્યા છે.

ગુજરાતમાં દલિતો મૂછો રાખે તો માર મારવામાં આવે છે : પૃથ્વીરાજ ચૌહાણ

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ રાજમાં દલિતો મૂછો રાખે તો તેને માર મારવામાં આવે છે. ઉનામાં પણ દલિતોને માર મારવામાં આવ્યો હતો. વિકાસની અસલિયત સામે આવી છે. વિકાસ ગાંડો થયો છે તે સાચું છે. નોટબંધી પછી ભ્રષ્ટાચાર, કાળું ધન અને આતંકવાદના સફાયાની વાત કરવામાં આવી હતી પણ કોઈ ક્ષેત્રે સફળતા મળી નથી. તાજેતરમાં જ નીતિ આયોગે આંકડા જારી કર્યા છે તેની માહિતી પણ તેમણે પૂરી પાડી હતી.

* ગુજરાત માનવ વિકાસ ઈન્ડેક્ષ ૬ઠ્ઠા ક્રમે હતું જે ૧૧મા ક્રમે ધકેલાયું
* સામાજિક ખર્ચમાં ૮મા નંબર પર ગયું
* સાક્ષરતા દરમાં ગુજરાત ૧૮મા ક્રમે ધકેલાયું
* પ્રાથમિક શાળાની ભરતીમાં ગુજરાત ૨૨મા ક્રમે
* બાળ મૃત્યુ દરમાં ૨૩મા ક્રમે
* માતા મૃત્યુ દરમાં ૧૧મા ક્રમે
* કુપોષણમાં ૨૧મા ક્રમે

Source: http://sandesh.com/raj-babbar-targets-yogi-adityanath-know-what-said/