રાહુલ ગાંધીએ વાપીની એક સામાન્ય રેસ્ટૉરાંમાં કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો
અમદાવાદ: દક્ષિણ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ વાપીની એક સામાન્ય રેસ્ટોરાંમાં કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો હતો. રાહુલ ગાંધીએ વાપીમાં કોમન મેન જેવું ડિનર લેવાની સાથે જ કૉંગેસના નેતાઓ અને સ્થાનિક નેતાગીરીને ચોંકાવી દીધા હતા.
રાહુલ ગાંધીના આ ડિનરમાં ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી સહિતના કૉંગી નેતાઓ પણ જોડાયા હતા. સામાન્યપણે ચૂંટણી ટાણે પ્રચારમાં આવતા રાષ્ટ્રીય સ્તરના નેતાઓના બ્રેકફાસ્ટથી માંડીને ડિનર સુધીની રસપ્રદ બાબતો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. રાહુલ ગાંધીએ દક્ષિણ ગુજરાતમાં કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે પહોંચેલી નવસર્જન યાત્રાની જાહેર સભાને સંબોધ્યા બાદ વાપીમાં વીઆઇએ ઓડિટોરિયમમાં બુદ્ધિજીવીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
ત્યાર બાદ રાત્રિએ વાપીની જ એક સામાન્ય રેસ્ટોરાંમાં પહોંચીને અસ્સલ કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો હતો. હાલમાં જ વાપીના ર્સિકટ હાઉસમાં નોનવેજ બનાવવાને મુદ્દે વિવાદ થયો હતો. બીજી બાજુ રાહુલ ગાંધીએ સામાન્ય, મધ્યમવર્ગના લોકોની માફક જ સામાન્ય રેસ્ટોરાંમાં ભોજન લેવાનું પસંદ કરતા સૌકોઇ ચોંકી ઊઠયા હતા. રેસ્ટૉરન્ટમાં હાજર લોકોએ ડિનર માટે બેઠેલા રાહુલ ગાંધીનો વીડિયો લેવા માટે પણ પડાપડી કરી હતી. રાહુલ ગાંધીએ તેમના દાદીમા ઈન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની માફક સાદગીનો પરિચય વધુ એક વખત આપ્યો હતો.
રાહુલે રાત્રિનું ભોજન સર્કિટ હાઉસના રસોયાના ઘરમાં તેમના પરિવારજનો સાથે લીધું હતું.
Source: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=385039