રાહુલ ગાંધી ૨૩મીએ અમદાવાદમાં : 4 ઝોનના કોંગી આગેવાનો સાથે યોજશે બેઠક

December 20, 2017 | 10:55 pm IST

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૨૩મી ડિસેમ્બરના શનિવારે એક દિવસની અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદના યુનિર્વિસટી કન્વેન્શન હોલમાં તેઓ વિધાનસભામાં ચૂંટાયેલા અને હારેલા એમ તમામ ઉમેદવારો સાથે મુલાકાત કરશે. ઉમેદવારો અને આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ સાંજે ચાર વાગ્યે રાહુલ ગાંધી કાર્યકરોને સંબોધન કરવાના છે.

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ૨૨મી ડિસેમ્બરે ગુજરાત મુલાકાતે આવવાના હતા, જોકે તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. રાહુલ હવે અમદાવાદમાં ૨૩મી ડિસેમ્બરના રોજ મુલાકાતે આવશે. સવારે ૧૧.૩૦ વાગ્યે ઉત્તર ઝોનના કોંગ્રેસના આગેવાનો અને ઉમેદવારો સાથે બેઠક કરશે. આ બેઠક એક કલાક સુધી ચાલશે. ત્યાર બાદ ૧૨.૩૦ વાગ્યે મધ્ય ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત થવાની છે. બપોરે ૨ વાગ્યે સૌરાષ્ટ્ર ઝોનના નેતાઓ-આગેવાનો સાથે ચર્ચા વિચારણાનો દોર શરૃ થશે. ત્યાર બાદ બપોરે ૩ વાગ્યે દક્ષિણ ઝોનના નેતાઓ સાથે બેઠક યોજાશે. ચારેય ઝોનના આગેવાનો સાથેની મુલાકાત બાદ રાહુલ સાંજે ૪ વાગ્યે કાર્યકરોને સંબોધન કરશે. ગુજરાતના પરિણામો બાદ રાહુલ કોંગી કાર્યકરોમાં વધુ જોમ-જુસ્સો પૂરવા માટે પ્રયાસ કરશે. રાહુલ ગાંધીના આગામી કાર્યક્રમને લઈ પ્રદેશ કોંગ્રેસ દ્વારા તૈયારીનો દોર હાથ ધરવામાં આવ્યો છે.

વિપક્ષી નેતા પદ માટે ૩૦મીએ બેઠક યોજાય તેવી શક્યતા
ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ પક્ષમાં હવે વિધાનસભાના વિપક્ષી નેતા કોણ તેની ચર્ચાએ જોર પકડયું છે. અત્યારે તો નામોમાં પરેશ ધાનાણી અને કુંવરજી બાવળિયાના નામો ફરતા કરવામાં આવ્યા છે. જોકે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યોની આગામી ૩૦મી ડિસેમ્બરે બેઠક બોલાવવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં નવા વિપક્ષી નેતાનું નામ નક્કી કરવામાં આવશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.

Source: http://sandesh.com/rahul-gandhi-will-be-in-ahmedabad-on-23rd-will-arrange-meetings-with-zone-leaders/