રાહુલ ગાંધી સાથેના સંવાંદમાં ડોક્ટરોએ ઉઠાવ્યો ફિક્સ પગારના ટ્રેન્ડનો મુદ્દો

November 24, 2017 | 10:43 pm IST

રાહુલ ગાંધીએ શુક્રવારે સાંજે અમદાવાદમાં તબીબો સાથે સંવાદ યોજ્યો હતો, જેમાં ડોક્ટરે એવો સોંસરવો સવાલ ઊભો કર્યો હતો કે, ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકાથી ડોક્ટરો રાખવા ફિક્સ પગારનો ટ્રેન્ડ શરૃ થયો છે, તે વિશે રાહુલે કહ્યું કે, ગુણવત્તાયુક્ત સારવાર માટે ડોક્ટરોને મોંઘવારી પ્રમાણે વળતર ચુકવવું જરૃરી છે.

તબીબી જગતની તકલીફો વિશેના આ સંવાદમાં રાહુલે કહ્યું કે, ગુજરાતમાં આરોગ્ય સેવા બગડી છે. ૯૦ ટકા એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજોનું ખાનગીકરણ થયું છે. સરકારી હોસ્પિટલોના ઈન્ફ્રાસ્ટ્રકચર પાછળ નાણાં વાપરવાને બદલે એકલા ટાટાને નેનો માટે જ ૩૩ હજાર કરોડ રૃપિયા આપી દેવાયા છે. ડોક્ટરોએ બીજે મેડિકલ કોલેજની જર્જરિત હાલત વિશે સવાલ કર્યો હતો, હૃદય રોગ માટે માત્ર એક સરકારી હોસ્પિટલ હોવાની સાથે કહ્યું કે, અમે ભણતા ત્યારે ગુજરાતમાં સાત સરકારી મેડિકલ કોલેજ હતી અને આજે ડોક્ટર બન્યા ત્યારેય સંખ્યા એટલીને એટલી જ છે.

રાહુલે કહ્યું કે, ગુજરાતમાં માનિતા લોકોની જ ખાનગી મેડિકલ કોલેજો ખુલી રહી છે, જેના કારણે આ ક્ષેત્રનું શિક્ષણ પણ ખૂબ મોંઘું થયું છે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો આ ક્ષેત્રના વ્યાપની સાથે શિક્ષણને સસ્તુ કરવામાં આવશે. રાહુલે નિખાલસપણે કબૂલાત કરી કે, મેડિકલ ક્ષેત્રે મારું જ્ઞાન સીમિત છે.

Source: http://sandesh.com/in-conversation-with-rahul-gandhi-raised-issue-of-trend-of-fix-pay/