રાહુલ ગાંધી દયાદરા અને અંકલેશ્વરમાં સભા સંબોધશે
ભરૃચ, તા.30 ઓકટોબર 2017,સોમવાર
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસનો ત્રીજો તબક્કો ભરૃચ જિલ્લાના જંબુસરથી પ્રારંભ કરી દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સુધી ચૂંટણી પ્રચાર કરનાર છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ચુકી છે. કોંગ્રેસે તેના સંગઠન અને પ્રચાર કાર્યને વેગવંતુ બનાવ્યુ હોઇ ઉપાધ્યક્ષ તેમના દક્ષિણ ગુજરાતના પ્રચાર પ્રવાસનો આરંભ પહેલી નવેમ્બર જંબુસર ખાતેથી કરનાર છે. સવારે ૧૦.૩૦ કલાકે જંબુસર આવી પહોચ્યા બાદ તેઓ આમોદ અને સમની થઇ દયાદરા બપોરે ૧૨ કલાકે પહોંચશે જ્યાં જાહેરસભાને સંબોધશે.
દયાદરાથી દેરોલ, કંથારીયા, ભરૃચમાં પટેલ વેલ્ફેર હોસ્પીટલ અને મહંમદપુરા સર્કલ ખાતે તેમનું સ્વાગત કરાશે તે બાદ પાંચબત્તી અને ભરૃચ રેલવે સ્ટેશન થઇ અંકલેશ્વરની વાલીયા ચોકડી પાસે જાહેરસભાને સંબોધન કરી સાંજે ૪.૧૫ કલાકે વાલીયા પહોંચશે. તેઓના દક્ષિણ ગુજરાતના બે દિવસના પ્રવાસના પ્રથમ દિવસે તેઓ ભરૃચ જિલ્લામાં બે સભાને સંબોધશે તેમજ વિવિધ સ્થળે તેઓનું સ્વાગત કરવામાં આવશે.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/rahul-gandhi-addresses-rally-in-dayadira-and-ankleshwar#sthash.SXWqXmFT.dpuf