રાહુલ ગાંધી ૧ નવેમ્બરથી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના પ્રવાસે

October 17, 2017, 11:38 am

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના દ‌િક્ષણ ગુજરાતના પ્રવાસનું આયોજન ઘડાઇ રહ્યું છે. તેઓ આગામી તા.૧ નવેમ્બરથી ૩ નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરે તેવી શક્યતા છે.

ગુજરાતમાં આગામી ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇને વિપક્ષ કોંગ્રેસ આક્રમક બની છે. પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઝંઝાવાતી પ્રવાસ કરી રહ્યા છે. તેમના પ્રવાસને લોકોનો ઉમળકાભેર આવકાર મળતાં પક્ષમાં નવો પ્રાણ પુરાયો છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના વિભિન્ન તબક્કા હેઠળ હવે ફક્ત દક્ષિણ ગુજરાતનો પ્રવાસ ખેડવાનો બાકી રહ્યો છે.

જો કે કોંગ્રેસનાં સૂત્રો કહે છે, રાહુલ ગાંધી દિવાળીના તહેવારોની ધમાલ પતી ગયા બાદ એટલે કે આગામી તા.૧લી નવેમ્બરથી દક્ષિણ ગુજરાતનો પ્રવાસ ખેડશે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા અને મૂળ મહાનગરની તેઓ મુલાકાત લેશે. ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ શબરીધામ દર્શન પણ તેઓ કરે તેવી શક્યતા હોઇ સુરત મહાનગરમાં રાહુલ ગાંધી રોડ શો પણ કરશે.

રાહુલ ગાંધીની તાજેતર ગુજરાત પ્રવાસમાં તેમનું સોફ્ટ હિન્દુત્વનું પાસું ચર્ચાસ્પદ બન્યું છે. તેમની હિન્દુ સમાજનાં શ્રદ્ધા સ્થાન ગણાતાં વિવિધ મંદિરો અને ધામનાં દર્શન પૂજાથી કોંગ્રેસએ બહુમતી સમાજ તરફી વલણ અપનાવ્યું હોવાની પ્રતીતિ પક્ષના નાનામાં નાના કાર્યકરોને પણ થઇ રહી છે. આના કારણે એક તરફ બહુમતી સમાજનો પ્રેમ પક્ષ સંપાદન કરી શકશે તેવી લાગણી પક્ષના અદના કાર્યકરોમાં ફેલાઇ છે. તો બીજી તરફ લઘુમતી સમાજમાં નારાજગી વ્યાપી હોવાનો વિવાદ ઊઠ્યો છે.

પ્રદેશ કોંગ્રેસનાં સૂત્રો વધુમાં કહે છે, લઘુમતી સમાજ કોંગ્રેસની પરંપરાગત વોટ બેન્ક છે એટલે દિલ્હીના કેન્દ્રસ્થ નેતાઓએ લઘુમતી સમાજને હળવાશથી લીધો છે. ટિકિટોની ફાળવણીના મુદ્દે પણ વર્ષ ર૦૧ર કરતાં આ વખતે લઘુમતી સમાજને પ્રમાણમાં ઓછી ટિકિટો ફાળવાયા તેવી શયકતા છે. અમદાવાદની વેજલપુર જેવી વિધાનસભાની બેઠક પર પક્ષ બહુમતિ સમાજના ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળે તેવી પણ ચર્ચા છે. દરિયાપુરની બેઠકના વર્તમાન ધારાસભ્ય લઘુમતી સમાજના છે પરંતુ તેમની ‌વિરુદ્ધ વ્યાપક અસંતોષને જોતા લઘુમતી સમાજના જ કોઇ અન્ય ઉમેદવારને ચૂંટણીજંગમાં ઉતારાય તેવી સંભાવના છે. આમ રાહુલ ગાંધીના સોફટ હિન્દુત્વના પગલે લઘુમતી સમાજમાં પણ અંદરખાનેથી ખળભળાટ મચ્યો છે.

Source: http://sambhaavnews.com/gujarat/rahul-gandhi-visit-to-gujarat/