રાહુલ ગાંધીએ પોરબંદરમાં માછીમારોને કર્યું સંબોધનઃ મોદી સરકાર પર કર્યા પ્રહારો

પોરબંદર તા. ર૪ઃ

કોંગ્રેસ ઉપપ્રમુખ બે દિવસના ગુજરાતના પ્રવાસનો પ્રારંભ ગાંધીજીની જન્મ ભૂમિ પોરબંદરથી કર્યાે હતો અને કીર્તિ મંદિરમાં પુષ્પાંજલિ પછી માછીમારોને સંબોધન કર્યું હતું. તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં.

કોંગ્રેસ ઉ૫પ્રમુખ રાહુલ ગાંધી વિધાન સભાની ચૂંટણીના પ્રચાર માટે આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓએ ચૂંટણી પ્રવાસનો પ્રારંભ ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી કર્યાે છે.

રાહુલ ગાંધી પોરબંદર પહોંચ્યા ત્યારે ત્યાંના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીયા, સહિતના અગ્રણીઓએ એરપોર્ટ પર તેઓનું સ્વાગત કર્યું હતું. તેઓ એ કિર્તી મંદિરમાં ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી હતી અને ગાંધીજીના જન્મ સ્થળે નમન કર્યા હતાં.

કોંગ્રેસની નવસર્જન યાત્રાના ભાગરૃપે પોરબંદરના ફિશીંગ હાર્બર ગ્રાઉન્ડ પર યોજાયેલી માછીમારોની વિશાળ સભાએ તેઓને હર્ષનાદોથી વધાવી લીધા હતાં અને માછીમારોએ તેઓનું પરંપરાગત ટોપી પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું.

રાહુલ ગાંધીએ જય રામદેવજી કરીને સંબોધનની શરૃઆત કરતા તેમને સારો પ્રતિભાવ મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગાંધીજીની જન્મભૂમિ પર આવીને હું ગૌરવ અનુભવું છું.

પોતાના સંબોધનમાં તેમણે મોદી સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર માછીમારો માટે કોઈ કામ કરતી નથી. કોંગ્રેસ સરકાર ડીઝલ પર સબસીડી આપતી હતી. જ્યારે મોદી સરકારે કરોડોની સબસીડી છીનવી લીધી છે.

તેમણે કહ્યું હતું કે મોદી સરકાર જનતાને ૩૦૦ કરોડ નથી આપતી અને ટાટાને ૩૩ હજાર કરોડ આપ્યા છે. ભાજપ સરકારે ૩૦૦ કરોડની સબસીડી છીનવી લીધી છે. સરકારે ૧૦ મોટા ઉદ્યોગપતિના ૧.૩૦ લાખ કરોડ માફ કર્યા છે. મિલોમાં કેટલા લોકોને રોજગારી મળી? તેવો પ્રશ્ન ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે માત્ર પાંચ-દસ ઉદ્યોગપતિઓ મોદી સરકારનું માર્કેટીંગ કરે છે. કેન્દ્રમાં ફિશરીઝ માટે અલગ મંત્રાલય હોવું જોઈએ. અમારી સરકાર કેન્દ્રમાં સત્તામાં આવશે તો અમે આ કામ કરીશું. તેમણે કહ્યું કે ઉદ્યોગપતિઓએ સમુદ્રમાં પ્રદૂષણ વધાર્યું છે, પરંતુ મોદી સરકાર દુર્લક્ષ સેવી રહી છે.

વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે અમે તમારા મનની વાત સાંભળવા ઈચ્છીએ છીએ. તેમણે સવાલ ઉઠાવ્યો કે ખેતી માટે મંત્રાલય હોય તો માછીમારો માટે કેમ નહી? કારણ કે માછીમારોનું કામ ખેડૂતો જેવું જ છે. છેલ્લા રર વર્ષથી મુખ્યમંત્રીની ઓફિસમાં તથા ધારાસભામાં ઉદ્યોગપતિઓનો જ અવાજ સંભળાયો છે. તેમના માટે કામ કરાયું છે. હવે અમે તમારો અવાજ બનશુંં

Source: http://www.nobat.com/news_detail.php?news_id=a6f6b6493534353835