રાહુલ ગાંધી અંબાજી, શામળાજી, બહુચરાજી, વાળીનાથ મંદિરના દર્શને જશે

અમદાવાદ, તા.5 નવેમ્બર 2017,રવિવાર

રાહુલ ગાંધીના કાર્યક્રમમાં થોડોક બદલાવ થયો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૯,૧૦,૧૧મીએ ઉત્તર ગુજરાતની મુલાકાતે આવવાના હતાં પણ હવે તેઓ તા.૧૧,૧૨ અને ૧૩મી ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાતના ચોથા તબક્કાના પ્રવાસમાં રાહુલ ગાંધી બહુચરાજી, શંખેશ્વર,અંબાજી,શામળાજી મંદિરના દર્શાનાર્થે જશે.

રાહુલ ગાંધી ૧૧મીએ અમદાવાદ એરપોર્ટથી દહેગામ,પ્રાંતિજ થઇને હિંમતનગર પહોંચશે. પ્રથમ દિવસે મોડી સાંજે તેઓ શામળાજીમાં મંદિરના દર્શન કરવા જશે. ત્યાથી તેઓ રાત્રે જ અંબાજી પહોંચી અંબા માના મંદિરે દર્શન કરશે. બીજા દિવસે અંબાજીથી રાહુલ ગાંધીનો કાફલો પાલનપુર થઇ ડિસા,ભિલડી શિહોરી,રાધનપુર પહોંચશે. થરામાં રાહુલ વાળીનાથ મંદિરના દર્શન કરશે.

ત્રણ દિવસના પ્રવાસના આખરી દિવસે રાહુલ ગાંધી પાટણ,હારિજ જશે. શંખેશ્વર મંદિરના દર્શન પણ કરવા રાહુલ ગાંધી જનાર છે. બહુચરાજીમાં મંદિરના દર્શન કર્યા બાદ તેઓ જાહેરસભાને સંબોધશે. સાંજે મહેસાણામાં જીઆઇડીસી હોલમાં રાહુલ જીએસટી સહિતના મુદ્દે વેપારી-ઉદ્યોગકારો સાથે બેઠક યોજશે.

ઉત્તર ગુજરાતમાં મોટાભાગી બેઠકો પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે તેમાં ય બનાસકાંઠામાં પૂર વખતે ભાજપે આ વિસ્તારમાં કોંગ્રેસવિરોધી માહોલ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો જેના પગલે આ વિસ્તારમાં કોંગ્રેસના માહોલને ફરી જીવંત બનાવવા રાહુલ ગાંધીના કાર્યક્રમનું આયોજન કરાયું છે.

Source : http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/rahul-gandhi-will-visit-the-temple-of-ambaji-shamlaji-bahucharaji-and-vallinath-temple