ગુજરાતમાં ફરીથી ગાંધીની આંધિઃ રાહુલ ગાંધી ગુજરાતમાં ગજવશે સભાઓ
નવી દિલ્હી તા. રરઃ
કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી તા. ર૪ અને રપ નવેમ્બરે ફરીથી ગુજરાતમાં પ્રચારની આંધિની જેમ ચારેય ઝોનમાં ફરી વળશે. તેમના ભરચક્ક કાર્યક્રમો ગોઠવાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ર૪ અને રપ મી નવેમ્બરે પણ ગુજરાતમાં પ્રચારની આંધિ ફૂંકશે. તા. રપ મી નવેમ્બરે રાહુલ ગાંધી નવસર્જન યાત્રાના ભાગરૃપે અરવલ્લી અને સાબરકાંઠાની કેટલીક વિધાનસભા બેઠકોની મુલાકાત લેશે. અગાઉ ચાર તબક્કામાં યાત્રા કરી ત્યારે અરવલ્લી-સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં મુલાકાત બાકી રહી હતી. જ્યારે ર૪ મીએ અમદાવાદ, પોરબંદર, સાણંદની મુલાકાત લેશે. તેઓ ર૪ મીની સાથે રપ મીનો એક દિવસનો પ્રવાસ લંબાવશે.
પોરબંદરમાં પ્રદેશ નેતા અર્જુન મોઢવાડિયાને ટિકિટ અપાઈ છે. છેલ્લે મોઢવાડિયા ચૂંટણી હારી ગયા હતાં, જો કે રાહુલની મુલાકાતથી માહોલ સારો બને તે માટે આ પ્રદેશ નેતાએ રજૂઆત કરી હતી. જેના ભાગરૃપે રાહુલ ગાંધી ર૪ મીએ પોરબંદરની મુલાકાત લેશે. રાહુલ ર૪ મીએ સવારે પોરબંદરમાં માછીમાર સમુદાય સાથે વાર્તાલાપ કરશે, તેમની સમસ્યાઓ સાંભળશે તે પછી તેઓ સાણંદના નાની દેવલી ગામે દલિત શક્તિ કેન્દ્રની મુલાકાત લેવાના છે.
અમદાવાદમાં રોડ શો યોજવામાં આવે તેવી શક્યતા છે. રાહુલના ભરચક્ક કાર્યક્રમોમાં ડોક્ટરો અને પ્રોફેસરો સાથે સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરાઈ રહ્યું છે. તદુપરાંત નિકોલમાં રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધન કરે તે માટેની પણ તડામાર તૈયારી કરવામાં આવી છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ ગુજરાતના ચારેય ઝોનમાં નવસર્જન યાત્રાનો દોર પૂરો કર્યો હતો, અને ગુજરાતમાં કોંગ્રેસ તરફી માહોલ ઊભો કરી દીધો હતો.
Source: http://www.nobat.com/news_detail.php?news_id=906bea193534343339