સત્ય (પાંડવો) અને અસત્ય (કૌરવો) વચ્ચેની લડાઈમાં સચ્ચાઈની જ જીત થશે : રાહુલ ગાંધી
અમદાવાદ, તા.ર
ગતરોજ પોતાનો પ્રવાસ અધૂરો મૂકી ઉત્તરપ્રદેશના રાયબરેલી બોયલર ફાટતા મોતને ભેટેલા લોકોના પરિવારજનોને મળવા દોડી ગયેલા રાહુલ ગાંધી આજે બપોર બાદ પુનઃ દક્ષિણ ગુજરાતના પ્રવાસે દોડી આવ્યા હતા અને વલસાડ, નાના પૌઢા સહિતનો ચૂંટણી પ્રવાસ આગળ ધપાવ્યો હતો. રાહુલ ગાંધીએ બે હજાર આંગણવાડી બહેનો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની સાથે સંવાદ કર્યો હતો.
રાહુલ ગાંધીએ આંગણવાડી બહેનો સાથે રૂબરૂ મળી ચર્ચા કરી તેમને હૈયાધારણ આપી હતી કે, કોંગ્રેસની સરકાર આવશે તો, શોષણ નહી પરંતુ સ્વમાન અને સ્વાભિમાન સાથે નોકરી કરી શકશો. કોંગ્રેસની સરકારમાં તેઓને આર્થિક વેતનમાં પણ કોઇ અન્યાય નહી થાય અને સરકારી ધારાધોરણ મુજબ કાયદેસર વેતન ચૂકવાશે. રાહુલે મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આ વખતે વિધાનસભા ચૂંટણીમાં પણ સત્ય અને અસત્ય વચ્ચેની લડાઇ છે અને કોંગ્રેસ પાસે સત્ય(સચ્ચાઇ) સિવાય બીજું કશું જ નથી, તેથી સત્યનો જ વિજય થશે અને અસત્ય પરાજિત થશે.
ઇતિહાસ સાક્ષી છે કે, સત્યનો જ હંમેશા જય થાય છે. રાહુલ ગાંધીએ મોદી અને ભાજપ સરકાર પર ચાબખા વરસાવતાં જણાવ્યું હતું કે, મોદીજીએ અને ભાજપ સરકારે આદિવાસીઓને શિક્ષા, રોજગાર અને જમીન આપવાના વાયદાઓ કર્યા હતા પરંતુ તે વાયદા નિભાવી જાણ્યા નથી. મોદી સરકારે આદિવાસીઓની જમીન છીનવી છે અને તેમના માનીતા ઉદ્યોગપતિઓને ફાળવી છે. આદિવાસીઓના હક્કની જમીન, પાણી અને વીજળી ઉદ્યોગપતિઓ સુધી પહોંચ્યા છે. કોંગ્રેસની યુપીએ સરકારે મનરેગા માટે રૂ.૩૫ હજાર કરોડ ફાળવ્યા હતા, જયારે મોદીએ આટલી મોટી રકમ એકમાત્ર ટાટા નેનો પ્રોજેકટ માટે આપી દીધી પરંતુ એક નેનો ગુજરાતમાં શોધ્યે જડતી નથી. આદિવાસીઓની જમીનની સુરક્ષા અને તેમના અધિકારો ભાજપના શાસનમાં છીનવાયા છે, તેને લઇ આદિવાસી સમાજ આઘાતમાં છે. નોટબંધી અને જીએસટીને લઇને પણ રાહુલ ગાંધીએ પ્રહારો કર્યા કે, નોટબંધી અને જીએસટીના કારણે દેશની અર્થવ્યવસ્થા નષ્ઠ થઇ ગઇ છે. ખેડૂતો, મજુરો, નાના દુકાનદાર, વેપારીઓની કમર તૂટી ગઇ. દેશનો જીડીપી બે ટકા નીચે આવી ગયો છે. નોટબંધી અને જીએસટીમાં બધુ બરબાદ થઇ ગયુ તો ય મોદીજી એમ કહે છે, નોટબંધી અને જીએસટીથી ફાયદા થયા છે. વાસ્તવિકતા તો એ છે કે, મોદીજીનું ગુજરાત મોડેલ તમામ તબક્કે ફેલ ગયું છે અને તેમના વિવાદીત નિર્ણયોથી દેશની જનતા અને અર્થતંત્ર બરબાદ થયા છે.
ભાજપ સરકારે પ્રજા પાસેથી જમીન, પાણી, વીજળી છીનવ્યા, બદલામાં કશું ન આપ્યું
રાહુલ ગાંધીએ તેમના પ્રવચન દરમ્યાન એક તબક્કે મહાભારતનું ઉદાહરણ ટાંકી ભગવાન શ્રી કૃષ્ણ અને દુર્યોધન વચ્ચેનો સંવાદ રજૂ કર્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણએ દુર્યોધનને પાંડવો માટે પાંચ ગામ જમીન માંગી હતી પરંતુ દુર્યોધને સોયની અણી જેટલી જગ્યા આપવાની ઘસીને ના પાડી દીધી હતી. આજે પણ સ્થિતિ કંઇક આવી જ છે. છેલ્લા ૨૨ વર્ષોથી મોદીજી અને ભાજપ સરકારે ગુજરાતની જનતા પાસેથી તેમના અધિકારના જમીન, પાણી અને વીજળી લીધા અને બદલામાં શિક્ષણ, રોજગારી અને આરોગ્ય આપવાના વાયદા કર્યા હતા પરંતુ આપ્યુ કશુંય નહી. દુર્યોધન અને કૌરવો પાસે મોટી સેના હતા, અસ્ત્ર-શસ્ત્ર હતા, મહાન યોધ્ધાઓ હતા, સામે પાંડવો પાસે કશું ન હતું. મોદીજી પાસે કેન્દ્રની દિલ્હી સરકાર છે, વિશાળ સત્તાઓ છે, ગુજરાતની સરકાર છે, ઉત્તરપ્રદેશની સરકાર છે, છત્તીસગઢની સરકાર છે, મહારાષ્ટ્રની સરકાર છે પરંતુ અમારી પાસે માત્ર સચ્ચાઇ છે(સત્યની તાકાત છે). અમારે બીજી કોઇ વાતની જરૂર નથી. આ સચ્ચાઇ દરેક આદિવાસી, ખેડૂત, મજૂર, દલિત, પાટીદાર, ગુજરાતીના દિલમાં છે અને આવનારી ચૂંટણીમાં આ સચ્ચાઇનો વિજય થશે.
Source: http://www.gujarattoday.in/satya-ane-asatya-vachheni-ladaima/