પેટ્રોલ-ડીઝલને GSTમાં સમાવાય તો ભાવ નિયંત્રણમાં આવેઃ રાહુલ

સુરતઃ ત્રણ દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ આજે વલસાડ નજીક આવેલા પારડી ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું. જેમાં રાહલ ગાંધીએ ગુજરાત અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા પરેશાન છે. રાજ્યના દરેક ખૂણે જનતા આંદોલન ચલાવી રહી છે. પારડી બાદ ધરમપુર પહોંચેલા રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. અને જમીન અધિગ્રહણમાં થતાં ભ્રષ્ટાચાર સાતે ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરી હતી.

રાહુલ ગાંધીએ કોસંબામાં માછીમારો સાથે મુલાકાત કરી હતી અને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ તકે તેમણે વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને સરકાર પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલમાં થતાં ભાવ વધારાની અસર સમગ્ર દેશમાં થાય છે, પરંતુ સૌથી વધારે અસર કાપડ બજાર અને શાક માર્કેટ પર જોવા મળે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો પેટ્રોલ-ડીઝલ GSTમાં આવરી લેવામાં આવે તો ભાવ નિયંત્રણમાં આવી શકે છે.

કોંગ્રેસ લોકોને રાખે છે સાથે
ગુજરાતમાં બેરોજગારી, મોંઘુ શિક્ષણ, ખેડૂતોને પાણી ઉદ્યોગોને અપાયા હોવાના આકારા પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દરેક લોકોને સાથે રાખીને ચાલે છે. ત્યારે ભાજપ સરકાર માત્ર પાંચ દસ ઉદ્યોગપતિઓની છે. પ્રજાને ખોટા વચનો આપીને લાગણીઓ સાથે રમત રમવામાં આવી છે. કોંગ્રેસે મનરેગા દ્વારા સામાન્ય લોકોને રોજગારી અપાવી હતી. જ્યારે ભાજપે જીએસટી દ્વારા લોકોની કમર તોડી નાખી છે. ઉદ્યોગ-ધંધાને ખૂબ અસર પહોંચી છે. જેથી આ સરકારને રવાના કરીને નવસર્જન કરવાની અપીલ રાહુલ ગાંધીએ કરી હતી.

ખેડૂતો સાથે અન્યાય નહીં થવા દઈએ
ધરમપુર ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં સંવાદ કરતાં રાહુલ ગાંધીએ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ ગણાવી હતી. સાથે જ ખેડૂતો પર 72, 400 કરોડનું દેવું હોવાનું કહી ખેડૂતોની જમીન અધિગ્રહણમાં ચાલતાં ભ્રષ્ટાચારની વાત કરી હતી. કોંગ્રેસ સરકાર આવ્યા બાદ જમીન અધિગ્રહણ બિલમાં સંશોધન કરવામાં આવશે. અને જમીનના બજાર ભાવ કરતાં ચાર ગણા આપવાનું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.

બુલેટ ટ્રેનમાં ખેડૂતોની સાથે કોંગ્રેસ
ગુજરાત ખેડૂત સમાજ દ્વારા યોજાયેલા સંમેલનમાં ચર્ચા કરતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષને ખેડૂતોના બુલેટ ટ્રેનમાં જમીન જવા અંગેના પ્રશ્ન પર રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખેડૂતોની સાથે સુડા, નુડા, બુલેટ ટ્રેન સહિતના રિઝર્વેશનમાં ખેડૂતો વચ્ચે રહીને કોંગ્રેસ સાથ આપસે તેમ ખેડૂતો સાથે ચાલેલા અડધા કલાકના સંવાદમાં જણાવ્યું હતું. સાથે જ પાંચયાતિ રાજમાં સુધારા કરીને સરપંચને સત્તા આપવામાં આવશે તેમ પણ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.

આઠ વર્ષના છોકરાને રાહુલે બેસાડ્યો બાજુમાં
ખેડૂત સંમેલન સ્થળે પહોંચેલા રાહુલ ગાંધીએ ત્રણ વર્ષના બાળકને પોતાની પાસે બોલાવીને સ્ટેજ પર પોતાની બાજુમાં બેસાડ્યો હતો. રાહુલ ગાંધીની બાજુમાં સ્ટેજ પર સ્થાન મેળવનાર પવનક્ષ ભાવેશ પટેલ ઓલપાડનો વતની છે. અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે.

Source: https://www.divyabhaskar.co.in/news/DGUJ-VAL-OMC-rahul-gandhi-election-rally-in-valsad-near-pardi-rahul-gandhi-attack-on-bjp-gove-573633.html