સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને શટઅપ ઇન્ડિયા એક સાથે ચાલી શકે નહીં : રાહુલ ગાંધી
October 27, 2017 | 3:43 am IST
નવી દિલ્હી, તા. ૨૬
ભારતીય અર્થતંત્ર પર જીએસટી અને નોટબંધીની વિપરીત અસરો મુદ્દે મોદી સરકાર પરનાં આક્રમણને વેગ આપતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે જણાવ્યું હતું કે, પીએમ મોદીની વિશાળ છાતી પરંતુ નાનાં હૃદયને કારણે જનતાનો સત્તાધારી પાર્ટી પરનો વિશ્વાસ મૃતપ્રાય બન્યો છે. પીએમ મોદી અને તેમની સરકાર દરેક વ્યક્તિને ચોર સમજે છે. એકબીજા સાથેની વાતચીતથી જ વિશ્વાસ જન્મી શકે, પરંતુ આજે નાગરિકોની પીડા સાંભળવા સરકારમાં કોઈ તૈયાર નથી. જનતાએ સરકારમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે.
દિલ્હીમાં પીએચડિ ચેમ્બર ખાતે લઘુ અને મધ્યમ ઉદ્યોગોના માલિકોને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ અર્થતંત્રમાં પીછેહઠ અને બેરોજગારીમાં વધારાને મોદી મેડ ડિઝાસ્ટર ગણાવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, આ મોદી મેડ ડિઝાસ્ટર છે. છેલ્લાં ૧૦૦ વર્ષમાં ભારતમાં અસમાનતા ચરમસીમા પર પહોંચી છે. મોદી સરકાર ઉદ્યોગોનું દુઃખ અને પીડા સાંભળવાનો ઇનકાર કરી તેમનું અપમાન કરી રહી છે. નાણાપ્રધાન જેટલી દર બીજા દિવસે ટીવી પર આવીને સબ સલામતની ગુલબાંગ પોકારી રહ્યા છે. મોદી સરકારે અર્થતંત્રનાં હૃદયમાં નોટબંધી અને જીએસટીની બે ગોળી ધરબી દીધી છે. પહેલાં નોટબંધીની ગોળી મારી અને બીજી જીએસટીની, તેને કારણે અર્થતંત્ર ઘાયલ થયું છે.
રાહુલ ગાંધીએ મોદી સરકારની સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજનાની ટીકા કરતાં જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને શટઅપ ઇન્ડિયા એક સાથે ચાલી શકે નહીં. રોજગારીના મામલે મોદી સરકારે દેશના યુવાનોમાં ઝેરયુક્ત વાતાવરણ સર્જ્યું છે. નોકરીસર્જનની બાબતમાં ચીને આપણને પછડાટ આપી છે. ચીન રોજની ૫૦,૦૦૦ નોકરીનું સર્જન કરે છે જ્યારે ભારતમાં ફક્ત ૪૫૦ નોકરી તૈયાર થાય છે.
રાહુલે જણાવ્યું હતું કે, નોટબંધીને કારણે કરોડો ભારતીયોને બેન્કો સામે લાઇનમાં ઊભા રહેવું પડયું હતું. એક એટીએમથી બીજા તરફ દોડ લગાવવી પડી હતી. દરેક પ્રક્રિયામાં લોકો મરી રહ્યાં હતાં. નોટબંધીએ લોકોનાં મનમાં ભય ફેલાવી દીધો હતો. દરેક રોકડ કાળું નાણું હોતું નથી અને દરેક કાળું નાણું રોકડમાં હોતું નથી. રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો કે જીએસટી ટેક્સ ટેરરિઝમનું સુનામી લઇ આવ્યો છે. જીએસટી અને નોટબંધીએ દેશનાં અર્થતંત્રની કરોડરજ્જુ તોડી નાખી છે અને તેને સાજા થતાં ઘણો સમય લાગી જશે. પીએમ મોદીએ ડબલ ટેપ ફાયર કરીને લક્ષ્યાંક વીંધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને કારણે આપણાં અર્થતંત્ર પર વિપરીત અસર થઈ છે.
Source: http://sandesh.com/startup-india-and-shut/