રૂપાણીને હારવાનો ડર છે એટલે જ લાઠીઓનો સહારો લીધો: રાહુલ ગાંધી

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ પશ્ર્ચિમની બેઠક પરથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ચૂંટણી લડી રહ્યા હોવાથી આ બેઠક હોટ બની છે ત્યારે શનિવારે રાત્રે બેનરો લગાવવાના પ્રશ્ર્ને ભાજપના માથાભારે ગણાતા કાર્યકરોએ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ દિવ્યનીલ પર જીવલેણ હુમલો કર્યો હતો એટલું જ નહીં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને ગયેલા કોંગ્રેસના કાર્યકરો પર પોલીસે કરેલા લાઠીચાર્જ બાદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભય અને ભ્રષ્ટાચારના ‘શાકાલ’ને ટક્કર આપી રહેલા રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને મિતુલ ડોંગા તથા સાંસદ રાજીવ સાતવ ઉપર શનિવારે રાત્રે પોલીસે હુમલો કર્યો હતો. હિંસા એ ડરની પેદાશ છે. રૂપાણીજીના દિલમાં ચૂંટણી હારવાનો ડર છે એટલે જ લાઠીઓનો સહારો લઈ રહ્યા છે પણ ગુજરાત ડરતું નથી.

દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસનો પ્રચાર કરતા રાહુલ ગાંધી સોશિયલ મીડિયા મારફતે પણ રાજયની ભાજપ સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અણિયાળા પ્રશ્ર્નો કરીને આકરા પ્રહાર કરી રહ્યા છે. ત્યારે મહિલાઓને શિક્ષણ, સુરક્ષા અને પોષણ મળવાની જગ્યાએ તેમનું ફકત શોષણ થયાનો આક્ષેપ ટ્વીટ કરીને વડા પ્રધાન ઉપર કર્યો હતો.

વિધાનસભા ચૂંટણીની જવાબદારી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્વીકારી છે. રાજયમાં ઘરે-ઘરે પ્રચાર કરવાની સાથે કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા મારફતે પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ભાજપનો વિકાસ થયો હોવાનો સંદેશ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. બીજી તરફ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે. તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના વિવિધ મુદ્દા રાજયની ભાજપ સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્ર્નોનો મારો ચલાવ્યો છે. તેમણે વડાપ્રધાનને પાંચમો પ્રશ્ર્ન ટ્વીટ કરીને પૂછ્યો હતો કે,ન સુરક્ષા, ન શિક્ષા, ન પોષણ, મહિલાઓને મળ્યું તો ફક્ત શોષણ. આંગણવાડી વર્કર અને આશાવાદી બહેનો, બધાને આપી ફક્ત નિરાશા. ગુજરાતની બહેનોને આપ્યો ફક્ત વાયદો, પૂરો કરવાનો ક્યારેય હતો નહીં ઇરાદો.

ગુજરાતમાં રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત સહિત રાજયભરમાં રેલીઓ અને સભાઓ ગજવીને રાજયની મહિલાઓ, પાટીદારો, ખેડુતો, ગરીબ, આદીવાસીઓ અને બેરોજગારોના મુદ્દે પ્રશ્ર્નો કર્યા હતા.

Source: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=387552