મોંઘવારી મુદ્દે રાહુલનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-‘…નહીં તો ખાલી કરો સિંહાસન’

ચૂંટણીની મૌસમ ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી ખાસ કરીને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરવાની એક પણ તક જતી કરવાના મૂડમાં નથી. એક પછી એક આકરા પ્રહારો કરી રહ્યાં છે. વધતા ભાવો અને બેરોજગારીના મુદ્દે રાહુલ ગાંધીએ આજે ફરીથી મોદી સરકાર પર નિશાન સાધ્યું. સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે કહ્યું કે સરકાર જો વધતા ભાવો અને બેરોજગારીને નિયંત્રણમાં લાવી ન શકે તો તેમણે પોતાનું સિંહાસન છોડવું જોઈએ. એક વેબસાઈટના અહેવાલને શેર કરતા તેમણે ટ્વિટ કરી કે ગેસ, રાશન બધુ મોંઘુ થઈ ગયું છે અને હવે પોકળ ભાષણ આપવાનું બંધ કરવું જોઈએ.

હાલમાં જ LPGના ભાવમાં થયેલા વધારા પર એક વેબસાઈટના અહેવાલને શેર કરતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કે મોંઘો ગેસ, મોંઘુ રાશન, બંધ કરો પોકળ ભાષણ, ભાવ બાંધો, કામ આપો, નહીં તો સિંહાસન ખાલી કરો. નોંધનીય છે કે રાંધણ ગેસના ભાવમાં બુધવારે 4.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો થયો છે. જુલાઈ 2016માં સરકારે આ સબસિડી ખતમ કરવા માટે દર મહિને ભાવ વધારવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદથી અત્યાર સુધી 19 વાર ભાવવધારો થયો છે.

રાંધણ ગેસના ભાવવધારાનો કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ વિરોધ કર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રની સરકાર જનતાની સાથે વિશ્વાસઘાત કરી રહી છે. ગુજરાતના વલસાડમાં હાલમાં જ એક રેલીમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે મેક ઈન ઈન્ડિયાનો એ જ જાદુ છે કે ભારતમાં દર 24 કલાકમાં માત્ર 450 યુવાઓને રોજગારી મળે છે. જ્યારે ચીનમાં દરરોજ 5000 લોકોને નોકરીઓની તકો ઉપલબ્ધ થાય છે.

Source: http://sandesh.com/rahul-gandhi-attacks-pm-modi-5/