‘શાહ જાદા’ કી સફળતા કે બાદ બીજેપી કી નઇ પેશકશ ‘અજીત શૌર્ય ગાથા’ : રાહુલનો કટાક્ષ
નવી દિલ્હી, તા. 4 નવેમ્બર, 2017, શનિવાર ધ વાયર નામની વેબસાઇટે અગાઉ ભાજપ અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ મામલે કેટલાક અહેવાલો પ્રકાશીત કર્યા હતા જેમાં દાવો કર્યો હતો કે જય શાહની સંપત્તિ મોદી સરકારના આવ્યા બાદ ૧૬૦૦૦ ગણી વધી ગઇ હતી. હવે આ જ વેબસાઇટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલના પુત્ર શૌર્ય અંગે કેટલાક દાવા કર્યા છે. જેને ટાંકીને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટોણો માર્યો હતો અને એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે શાહ જાદા કી અપાર સફલતા કે બાદ બીજેપી કી નઇ પેશકશ અજીત સૌર્ય ગાથા. રાહુલે આ નિવેદન કરીને જય શાહ અને અજીત દોવલના પુત્ર મુદ્દે ભાજપને પણ આડેહાથ લીધુ હતું.
ધ વાયર વેબસાઇટના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અજીત દોવલના પુત્ર સૌર્ય દોવલને મોદી સરકારના મંત્રીઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. સૌર્ય દોવલની સંસ્થા ઇન્ડિયા ફાઉન્ડેશન એક ફાઇનાન્સીયલ સર્વિસ કંપની પણ છે. જેમાં મોદી સરકારના કેટલાક મંત્રી ડાયરેક્ટરની ટોચની પોસ્ટ પર પણ છે. આ સંસ્થા ૨૦૦૯થી સક્રિય છે અને ૨૦૧૪ સુધી તે કેરળમાં બળજબરીથી ધર્મ પરિવર્તન જેવા મુદ્દાઓને ગ્રાફિક્સ દ્વારા ઉઠાવી રહી હતી. જોકે ૨૦૧૪ બાદ આ સંસ્થાના કામમાં મોટા પ્રમાણમાં વૃદ્ધી જોવા મળી. આ સંસ્થામાં કેટલાક મંત્રીઓ પણ જોડાયેલા છે તેથી તેમણે લાભ પહોંચાડયો હોવાના દાવા હવે વિપક્ષ પણ કરવા લાગ્યો છે.
ન્યૂઝ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સંગઠન સૌથી પ્રભાવશાલી થિંક ટેંક છે જે દેશ વિદેશના ઉધ્યોગપતીઓ અને કોર્પોરેટ્સને સરકારી નીતીઓ પર ગંભીર ચર્ચા માટે એક મંચ ઉપલબ્ધ કરાવે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સંસ્થાના મંચ પર મોટા વ્યાપારીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને વરીષ્ઠ અધિકારીઓ પણ એકબીજાને મળે છે. રિપોર્ટ અનુસાર ઇન્ડિયા ફાઉન્ડેશનને શૌર્ય દોવલ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચીવ રામ માધવ ચલાવે છે. તેના ડાયરેક્ટર્સમાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ, કોમર્સ મિનિસ્ટ સુરેશ પ્રભુ, નાગરીક ઉડ્ડયન પ્રધાન જયંત સિન્હા ઉપરાંત એમ.જે. અકબર પણ જોડાયેલા છે. જેેને પગલે સંસ્થાને ગેરકાયદે લાભ પહોંચાડાઇ રહ્યો હોવાનો દાવો પણ થઇ રહ્યો છે. જેને ટાંકીને જ રાહુલે ટોણો માર્યો હતો. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે તો આ મંત્રીઓના રાજીનામાની પણ માગણી કરી છે.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/bjp-ki-nai-pashkash-ajit-shaurya-gatha-rahul-s-sarcasm