પીએમ મોદીના મેક ઇન ઈન્ડિયાનું થયું છે બાળમરણ : રાહુલ ગાંધી
November 26, 2017 | 11:30 pm IST
ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ વધી રહ્યો છે, કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા મતદારોને આકર્ષવા પેંતરા ખેલાઈ રહ્યા છે ત્યારે કાંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નેનો કારના ગુજરાત પ્લાન્ટમાં ઉત્પાદનમાં થયેલા ઘટાડાના મીડિયા અહેવાલને ટાંકીને પીએમ મોદી પર પ્રહારો કરવાની તક ઝડપી લઈ ટ્વિટ કર્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના મેક ઇન ઈન્ડિયા પ્રોજેક્ટનું બાળમરણ થઈ ગયું છે. રાહુલ ગાંધીએ આક્ષેપો કર્યા હતા કે આને કારણે ગુજરાતના કરદાતાઓના રૃ. ૩૩,૦૦૦ કરોડ રાખમાં મળી ગયા હતા. આને માટે કોને જવાબદાર ગણવા? તેમણે કહ્યું કે, ભાજપના ‘સ્પેશિયાલિસ્ટ જાદુગર’નો જાદુ હવે ઓસરી રહ્યો છે. ગુજરાતનાં સાણંદમાં નેનો કાર પ્રોજેક્ટ સ્થાપવા ગુજરાત સરકારે તાતા મોટર્સને રૃ. ૩૩,૦૦૦ કરોડની લહાણી કરી હતી. મીડિયા અહેવાલમાં એવો દાવોે કરાયો છે કે તાતા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં દરરોજ ફક્ત ૨ નેનો કારનું ઉત્પાદન કરાઈ રહ્યું છે.
સ્પેશિયાલિસ્ટ જાદુગરનો જાદુ ઓસરતાં અનેક જાદુગરોને પ્રચારમાં રોક્યા
ગુજરાતમાં ૯ અને ૧૪ ડિસેમ્બર એમ બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે રાહુલ ગાંધીએ આક્ષેપો કર્યા હતા કે, આ વખતે ભાજપના સ્પેશિયાલિસ્ટ જાદુગરનો લોકોમાં જાદુ ઓસરી રહ્યો છે તેવું જણાતાં ભાજપે પ્રચાર માટે કેટલાક જાદુગરોને કામે રાખ્યા છે. અગાઉ દાહોદ ખાતેની રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રચાર માટે ભાજપે કેટલાક જાદુગરોને રોક્યા છે તેવા અહેવાલો અખબારોમાં વાંચીને મને આૃર્ય થયું છે, જ્યારે પાર્ટીના સ્પેશિયાલિસ્ટ જાદુગર છેલ્લાં ૨૨ વર્ષથી જાદુની ટ્રિક અજમાવી રહ્યા છે ત્યારે આટલા બધા જાદુગરોની શું જરૃર છે? આ વખતે ભાજપને એવી બીક છે કે તેમના જાદુગર(મોદી)નો જાદુ નિષ્ફળ જશે તેથી તેમણે પ્રચારમાં અનેક જાદુગરોને રોક્યા છે.
જાદુગરે ખેડૂતો, નાના વેપારીઓ અને બેકારોને છેલ્લાં ૨૨ વર્ષમાં કશું ન આપ્યું
મોદી જ્યારે ૨૦૦૭માં ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે ગુજરાતના આદિવાસીઓને વનબંધુ યોજના હેઠળ રૃ. ૧૫,૦૦૦ કરોડ આપવાનું વચન આપ્યું હતું. તેઓ પાંચ વર્ષ પછી ફરી પાછા આવ્યા અને કહ્યું કે આ વખતે મને મત આપો હું તમને રૃ. ૪૦,૦૦૦ કરોડ આપીશ. આ પછી તેઓ ફરી આવ્યા અને વચન આપ્યું કે હું તમને રૃ. ૧ લાખ કરોડ આપીશ. આ બધું કરવાને બદલે તેમણે તાતાને નેનો પ્રોજેક્ટ માટે એક મિનિટમાં રૃ. ૩૩,૦૦૦ કરોડ આપી દીધા. તમારી વીજળી, નર્મદાનું પાણી અને અન્ય લાભો તેમણે તાતાની નેનો ફેક્ટરી અને ૫થી ૧૦ ઉદ્યોગપતિઓને આપી દીધા. રાહુલે દાવો કર્યો કે ગુજરાતમાં મેં પ્રચાર કરવા ૧,૦૦૦ કિ.મી.નો પ્રવાસ કર્યો પણ મને રસ્તા પર ક્યાંય એક નેનો કાર જોવા મળી નહીં.
આમ પ્રજાના રૃ. ૩૩,૦૦૦ કરોડને મોદીએ એક જ મિનિટમાં ગુમ કરી દીધા. આ જાદુ નહીં તો બીજું શું કહેવાય.
મોદી પાસેથી ખેડૂતો, નાના વેપારીઓ અને બેકારો છેલ્લાં ૨૨ વર્ષથી કંઈક મળશે તેવી આશા રાખીને બેઠા છે પણ જાદુગરે કંઈ જ નથી આપ્યું. હું લોકોને અમારી સરકાર સત્તા પર આવશે તો તમારા ખાતામાં રૃ. ૧૫ લાખ જમા કરાવવાનું વચન તો નથી આપતો કે એક જ વ્યક્તિને રૃ. ૩૩,૦૦૦ કરોડ આપવાની ખાતરી નથી આપતો પણ લોકોને સારુંં શિક્ષણ અને આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં આવશે.
Source: http://sandesh.com/rahul-says-make-in-india-not-succeed/