22 વર્ષમાં ગુજરાત ઉપર બે લાખ કરોડનું દેવું થઈ ગયું છે: રાહુલ ગાંધી
Bhaskar News, Kathlal | Last Modified – Oct 12, 2017, 10:32 AM IST
કઠલાલ: ‘ગુજરાતમાં ભાજપે 22 વર્ષ શાસન કર્યું છે. આ 22 વર્ષમાં ગુજરાતની ઉપર બે લાખ કરોડનું દેવું થઈ ગયું છે. ભાજપે માત્ર તમાસા જ કર્યાં છે. વીજળી, પાણી, રોજગારનો વાયદો કર્યો પણ કંઈ આપ્યું નથી. નોટબંધી રાતોરાત લાગુ કરી દીધી હતી. પરંતુ તેનો ફાયદો થયો નથી. હિન્દુસ્તાનના ચોરોએ પોતાનું કાળું ધન સફેદ કરી દીધું છે.’ તેમ રાહુલ ગાંધીએ બુધવારે ફાગવેલમાં જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું.
જીએસટીના કારણે લાખો બિઝનેસ બંધ થઈ ગયાં
મધ્ય ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ બુધવારના રોજ ફાગવેલ ખાતે જાહેર સભાને સંબોધી હતી. જેમાં તેણે અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધું નિશાન તાક્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જીએસટીના કારણે લાખો બિઝનેસ બંધ થઇ ગયાં, કોંગ્રેસ પાર્ટી આવશે તો ભાજપને હટાવશું. મોદી અને અમીત શાહ વિરૂદ્ધ અન્ડર કરંટ જોવાઇ રહ્યો છે.
આજે હું ગુજરાતનો દીકરો છું, ગુજરાતની વાત કરું છુંઃ રાહુલ
સૌથી મોટો પ્રશ્ન યુવાનો સામે છે. લોકોના દિલમાં છે તે વાત દબાવી શકાતી નથી. યુવાનોને સરકાર એક સેકન્ડ માટે યાદ કરતી નથી. ગાંધીજી, સરદાર પટેલ, અમુલ આ ધરતીએ આપ્યું છે. આજે હું ગુજરાતનો દીકરો છું. ગુજરાતની વાત કરું છું. કોલેજમાં જવું હોય તો ઉદ્યોગપતિઓને પૈસા આપવા પડે છે. બીમાર હોય તો ઉદ્યોગપતિને પૈસા આપવા પડે છે.’
Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-NAD-OMC-rahul-gandhi-says-two-lakh-crore-of-rupees-debt-over-gujarat-gujarati-news-5718514-PHO.html