પીએમ મોદી અમારા વિરૂદ્ધ ગમે તે બોલે અમે નહીં બોલીએ: રાહુલ ગાંધી
November 13, 2017 | 9:50 am IST
વિધાનસભાની ચૂંટણી ઉંબરે આવી છે ત્યારે કોંગ્રેસે શરૂ કરેલી નવસર્જના યાત્રાના ચોથા તબક્કાના પોતાના પ્રવાસના બીજા દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અંબાજીથી ડીસા, પાલનપુર થઈ પાટણ પહોંચ્યા હતા. ભાજપ સરકારની આકરી ટીકા કરવા ઉપરાંત, ગુજરાત સરકારના પગલાં અને નિર્ણયો સામે પણ તેમણે પ્રહારો કર્યા હતા. અંબાજીમાં સોશિયલ મીડિયા સંવાદ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, ભાજપ સરકારે ટાટા નેનોને રૂ. ૩૫ હજાર કરોડની રાહતો આપી પણ રાજ્યના માર્ગ પર એકપણ નેનો કાર જોવા મળતી નથી. આ રૂપિયાથી તો કેટલીય હોસ્પિટલો, સ્કૂલો, કોલેજો બનાવી શકાઈ હોત. તમારા સંતાનોએ મોંઘી ફી ભરવી ન પડત. ભાજપ સરકારે ગુજરાતની પ્રજા સાથે દગો કર્યો છે. આમ કહી, રાહુલ ગાંધીએ ઉપસ્થિત જનમેદનીને પુછયું કે, તો આપણે શું કરવું જોઈએ? જ્યારે લોકોમાંથી ‘બદલો લેવો જોઈએ’, તેવો પ્રતિભાવ આવતાં જ રાહુલ ગાંધીએ કહ્યું કે, ના, બદલો લેવો એ કોંગ્રેસની સોચ નથી. એ ભાજપની સોચ છે. કોંગ્રેસ તો અહીં ગુજરાતમાં બદલાવ લાવવામાં માને છે.
અંબાજીઃ પ્રધાનમંત્રી મોદી અમારા વિરુદ્ધ ગમે તે બોલે અમે મર્યાદા જાળવીશું
રાહુલ ગાંધીએ રવિવારે સવારે દસ વાગ્યે સોશિયલ મીડિયા સંવાદ કાર્યક્રમ સાથે તેમના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. સોશિયલ મીડિયા સંવાદ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ યુવા કાર્યકરોના વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યં કે પ્રધાનમંત્રી મોદી અમારા વિરુદ્ધમાં ગમે તે બોલે અમે પ્રધાનમંત્રીની મર્યાદા જાળવીશું સોશિયલ મીડિયાનું મહત્ત્વ અને તેના ઉપયોગ બાબતે યુવાનોને શીખ આપી હતી. તેમણે યુવાનોને ગુજરાતના વિકાસના બણગા અને મસમોટી વાતોને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રજા સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું અને ખરેખર સત્ય શું છે તે પ્રજા સુધી પહોંચે તે માટે સોશિયલ મીડિયા પર ભાર મૂકવા જણાવ્યું હતું.
પાલનપુર: અમારી સરકાર ઉદ્યોગપતિઓની નહીં હોય
રાહુલ ગાંધી બપોર પછી પાલનપુર અને ડીસા ખાતે પહોંચ્યા હતા. દાંતામાં પણ તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયુ હતુ. જ્યારે પાલનપુર ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા મેદાન ખિચોખિચ ભરાઈ ગયુ હતુ. જ્યાં રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે ગરમી વચ્ચે પણ લોકો ધીરજ રાખીને હાજર રહ્યા તે બદલ સૌનો આભાર માન્યો હતો અને જણાવ્યુ હતુ કે દેશમાં માત્ર પ-૧૦ ઉદ્યોગપતિઓના જ કામ થાય છે. અમે મનની વાત નથી કરતા અમે પ્રજાના મનની વાત સાંભળીએ છીએ અને અમારી સરકાર પ્રજાની સરકાર હશે. આજે ગુજરાતમાં લોકો દુઃખી છે તેઓ દેશમાં દરેક જિલ્લામાં ફર્યા છે પરંતુ ગુજરાતમાં દરેક સમાજના લોકોએ આંદોલન કરવું પડયુ હોય તેવુ પહેલીવાર બન્યુ છે. ગરીબ લોકો પાંચ દશ લાખ આપી નથી શકતા આથી તેમના બાળકો ડોક્ટર કે એન્જિનિયર બની શકતા નથી. ખેડૂતોને નર્મદાનું પાણી મળ્યુ નથી, ખેડૂતોનું દેવું માફ નથી કર્યુ. ગુજરાતના લોકોને ના શિક્ષણ મળે, ના હોસ્પિટલ મળે કે ના રોજગાર મળે. ચૂંટણી સમયે કહ્યુ હતુ કે બે કરોડ યુવાનોને રોજગારી આપીશું, કેટલા લોકોને રોજગારી આપી. જે ચાઈના બે દિવસમાં કરે છે તે મોદીજીનું મેક ઈન્ડીયા એક વર્ષમાં પણ પુરૂ નથી કરી શકતુ. દેશના ૧૦-૧પ અમીરોના દેવું માફ કરી શકો પણ ખેડૂતોનું દેવું માફ કરતા નથી. અમે મનની વાત નથી કરતા અમે પ્રજાના મનની વાત સાંભળીએ છીએ અને અમારી સરકાર પ્રજાની સરકાર હશે તેમ જણાવ્યુ હતુ. જ્યારે ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, અમારી સરકાર આવશે તો ખેડૂતોને ૧૬ કલાક વિજળી આપવાનું તેમજ ખેડૂતોના દેવા નાબુદ કરીશું. ૩૦ લાખ કરતા વધુ યુવાનો બેકાર છે તેમને રોજગારીની તક મળશે અને નોકરી આપીશું અને નોકરી નહી આપી શકીએ તેને ધો.૧ર પાસ હોય તેને ૩ હજાર અને ગ્રેજ્યુએટને ૪ હજાર અને પોસ્ટ ગ્રેજ્યુએટને ૪પ૦૦ રૂપિયા ભથ્થુ આપવાની વાત કરી હતી.
ડીસાઃ નોટબંધી વખતે બેન્કોના પાછલા દરવાજે કાળું નાણું સફેદ થયું
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલગાંધી એ આજે ડીસાના હવાઈ પીલ્લર ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું. ૧૦ હજારથી વધુ જન મેદનીને સંબોધન કરતા રાહુલ ગાંધીભાજપને જાકારો આપી કોંગ્રેસને સત્તા ઉપર લાવવા આહવાન કર્યુ ંહતું. જાહેરસભાને સંબોધન કરતા તેમણે બનાસકાંઠાની ધરતી ઉપર પાકતા બટાકા સોનાના થઈ વિદેશ જશે તેવું જુંઠાણું ફેલાવી વર્તમાન સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો ને ઉલ્લુ બનાવ્યા છે ભ્રષ્ટ્રાચાર થયો તેમજ નોટબંધી દરમિયાન કાળુનાણું બહાર કાઢવાની જગ્યાએ તેને સફેદ નાણાંમાં પરિવર્તન કરાવ્યું લોકો દિવસો સુધી બેંકો આગળ લાઈનમાં ઉભા હતા ત્યારે કાળાબજારીયાઓએ બેંકોના પાછળા દરવાજેથી કાળાનાણાં સફેદ કર્યા નોટબંધીમાં દેશની જનતાને છેતરી ત્યારબાદ જી.એસ.ટી. ગબ્બરસિંહ ટેક્ષ કરી નાના ઉદ્યોગ ધંધાને બંધ થયા હજારો લોકો બેરોજગાર થયા સત્તા ઉપર આવ્યાને સમયે હું ખાતો નથી અને ખાવા દીઈશ નહી આવું બોલનાર પી.એમ.મોદી બોલુંગા નહી ઓર બોલને ભી નહીં દુંગા એમ જણાવી ચૂપ બેઠા છે.
Source: http://sandesh.com/rahul-gandhi-sayas-about-pm-modi-in-gujarat-election/