મોદીજી, ‘સૂટ’ તો તમે ઉતારી નાખ્યો પણ ‘લૂંટ’નું શું ? : રાહુલ ગાંધી

નવી દિલ્હી,તા. ૧૬
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે રાફેલ સોદા અંગે જનતા કા રિપોર્ટર દ્વારા કરાયેલા ખુલાસા અંગે પ્રતિક્રિયા આપી હતી. ટિ્‌વટર પર રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પાસે ‘લૂંટ’ અંગે સવાલ કર્યો હતો. ટિ્‌વટર પર જનતા કા રિપોર્ટરના ખુલાસાને શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે, મોદી જી સૂટ બદલવું સારી વાત છે પરંતુ ‘લૂંટનું’ શું થશે ? પોતાની ટિ્‌વટમાં રાહુલ ગાંધીએ જનતા કા રિપોર્ટના ખુલાસાનો ઉલ્લેખ કર્યો હતો. અન્ય બે ટિ્‌વટમાં રાહુલે રિલાયન્સ પર પ્રહારો કરતા પુછ્યું હતું કે, રિલાયન્સ રાફેલ સોદા માટે કોઇની સાથે એરોસ્પેેસનો અનુભવ જણાવશે ખરૂ ? તેમણે ત્રીજી ટિ્‌વટમાં કહ્યું કે, રિયાલન્સ પોતે મેક ઇન ઇન્ડિયામાં મહત્વનું પાસું છે. રાહુલ ગાંધીની પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે વડાપ્રધાન મોદી અને તેમની સરકારને રાફેલ સોદાના ખુલાસા બાદ કોંગ્રેસે પાંચ સવાલો પુછ્યા હતા.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ એરક્રાફ્ટ સોદા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતા મીડિયાને કહ્યું હતું કે, તમે શા માટે વડાપ્રધાનને પૂછતા નથી કે, તેમણે કેમ ઉદ્યોગપતિઓને મદદ કરવા માટે રાફેલ સોદાને બદલી નાખ્યો હતો. રાહુલ ગાંધીએ મીડિયાને કહ્યું હતું કે, તમે મીડિયાવાળા મને આટલા બધા સવાલો કરો છો તો તમે અમિત શાહના પુત્ર જય શાહ વિશે પીએમ મોદીને સવાલ કેમ નથી પૂછી રહ્યા ? અનિલ અંબાણીની કંપની દ્વારા કેસ દાખલ કરવાની ધમકીને અવગણતા રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહારો કરતા રાફેલ એરક્રાફ્ટ સોદાને રિલાયન્સ સાથે સોદા માટે બદલી નાખવાનો આરોપ લગાવ્યો હતો જેમને એરોસ્પેસ ટેકનોલોજીમાં કોઇ અનુભવ નથી. કોંગ્રેસે એવો પણ આરોપ મુક્યો હતો કે, ફ્રાન્સ સાથે સીધો સોદો કરી જાહેર હિતની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને નુકસાન પહોંચાડ્યું છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, યુપીએ સરકાર સમયે કરેલા સોદાને બદલીને એરક્રાફ્ટને ઊંચી કિમતે ખરીદવામાં આવ્યા છે. રાહુલેે આ સમયે એવો પણ ટોણો માર્યો હતો કે, આ સૂટ બૂટની સરકાર છે અથવા અમીરોની સરકાર છે. તેમણે ટિ્‌વટમાં લખ્યુ કે, મોદીજી સૂટ બદલવું સારૂ છે પરંતુ લૂંટનું શું થશે ?

આ પહેલા મીડિયાને સંબોધતા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકાર રાષ્ટ્રહિત અને રાષ્ટ્રની સુરક્ષા સાથે સમજૂતી કરી કદી માફ ન કરી શકાય તેવી રમતમાં સંડોવાયેલી છે. સુરજેવાલાએ એમ પણ જણાવ્યું હતું કે, ભારતીય વાયુ દળ માટેના લડાકુ વિમાનમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે. બુધવારે મોદીના રાફેલ કૌભાંડ સૌથી વધારે ટ્રેન્ડ થઇ રહ્યું હતું. રિલાયન્સ અને ભાજપે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

જનતા કા રિપોર્ટરના ખુલાસામાં ફ્રાન્સની કંપની સાથે યુપીએ સરકાર સાથે થયેલા ૧૨૬ વિમાન ખરીદવાના સોદાને રદ કરી પીએમ મોદીએ રિલાયન્સના અંબાણી સાથે ફ્રાન્સની મુલાકાત દરમિયાન ૩૬ વિમાન ખરીદવાની જાહેરાત કરી હતી જેનાથી અનિલ અંબાણીની કંપનીને સીધો ફાયદો થાય તેવી શક્યતા છે. મોદીના આ નિર્ણયથી ભારતને હજારો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જેમાં ભારતમાં આ કંપની દ્વારા વિમાન બનાવવાના સોદાને રદ કરાયો હતો. રણદીપ સૂરજેવાલાએ એવું પણ પુછ્યું હતું કે, શા માટે મોદી ફક્ત રિલાયન્સ ડિફેન્સ લિમિટેડને જ મહત્વ આપે છે જે ડેસોલ્ટ એવિએશન સાથે ૩૦૦૦૦ કરોડની યોજનામાં સંયુક્ત ભાગીદારી ધરાવે છે.

તેમણે એવો પણ સવાલ કર્યો હતો કે, મોદીએ શા માટે કેન્દ્રીય કેબીનેટની મંજૂરી લેવાનું પણ યોગ્ય ન માન્યું. નોંધનીય છે કે, સુરજેવાલાની પત્રકાર પરિષદને પણ મોદી સરકારની નારાજગી ન વહોરવાની બીકે અન્ય મીડિયા દ્વારા બ્લેક આઉટ કરાયો હતો.

Source: http://www.gujarattoday.in/modiji-shoot-to-tame-utari-nakhyo/