કોંગ્રસની સરકાર આવશે તો નર્મદાનો લાભ વધુ વિસ્તારને પહોંચાડીશું: રાહુલ ગાંધી
Nov 12, 2017, 02:40 AM IST
હિંમતનગર: ભારતીય જનતા પાર્ટી દ્વારા નર્મદા યોજનામાં વિલંબ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી ચૂંટણી મેદાનમાં કાગારોળ મચાવાઇ રહી છે. ત્યારે શનિવારે ઉત્તર ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ હિંમતનગરની સભામાં જણાવ્યું કે, જો ગુજરાતમાં કોંગ્રસની સરકાર આવશે તો નર્મદા યોજનાનો લાભ ગુજરાતના બહોળા વિસ્તારની પ્રજાને મળે તે માટે અમે પ્રયત્નશીલ રહીશું. તેમણે સરદાર વલ્લભભાઇ પટેલ અને ગાંધીજીને યાદ કરી ગુજરાતની ખમીરવંતી પ્રજાને બિરદાવી હતી.
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારથી 3 દિવસ માટે ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી આજે સવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા અને ત્યાંથી સીધા ગાંધીનગર અક્ષરધામ મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું. રાહુલે GST વિશે કહ્યું હતું કે હિન્દુસ્તાનમાં પાંચ પ્રકારના નહીં પરંતુ એક જ ટેક્સ જોઈએ. રાહુલ ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન 13 વિધાનસભા મત વિસ્તાર ખૂંદી વળશે. જેમાં 8માં ભાજપ અને 5માં કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાયેલા છે. પ્રાંતિજમાં જનસભાને સંબોધન દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષે કહ્યું કે, પેટ્રોલ-ડીઝલને પણ જીએસટી અંતર્ગત લાવો. હિંમતનગરમાં રાહુલનો વિરોધ કરવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધી 3 દિવસની ઉત્તર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. મોડી રાત્રે રાહુલ ગાંધી અંબાજી ધામમાં માઁ અંબાના દર્શન કરી આરતી ઉતારવાનો લાભ લીધો હતો. અને લોકોનું અભિવાદન કર્યું હતું . રાત્રી રોકાણ પણ અંબાજીમાં આવેલા સર્કીટ હાઉસમાં કરશે.
રાહુલે ગુજરાતમાં કહ્યું, ‘મોદી-શાહ આવે તો પણ ડિસેમ્બરમાં ભાજપ સરકાર નહીં આવે’
ઇડરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતમાં 90 ટકા કોલેજનું ખાનગીકરણ થઇ ગયું છે. આજે કોલેજમાં દાખલ થવું હોય તો ખિસ્સામાં 10-15 લાખ રૂપિયા હોવા જોઇએ. ચીન બે દિવસમાં એક લાખ યુવાનોને રોજગારી આપે છે, આ જ કામ કરવામાં નરેન્દ્ર મોદીની સરકારને એક વર્ષ લાગે છે. જે લોકો ચીન સાથે મુકાબલો કરી શકે તેમને કંઇ આપવું નથી. બેંક લોન, પૈસા બધુ મોદીજી પાંચ-10 લોકોને આપે છે. રાહુલે ગુજરાતમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી આવે, અમિત શાહ આવે, નિર્મલા સિતારામણજી આવે કે યુપીના સીએમ યોગીજી આવે તો પણ ડિસેમ્બરમાં ભાજપ સરકાર નહીં આવે.
Source: https://www.divyabhaskar.co.in/news/UGUJ-SBK-OMC-rahul-gandhi-on-3-day-visit-to-north-gujarat-today-gujarati-news-5742698-PHO.html