વડાપ્રધાન મોદી દેશના ચોકીદાર નહીં પરંતુ ઉદ્યોગોના ભાગીદાર: રાહુલ ગાંધી
લીમખેડા, તા.11 ઓકટોબર 2017,બુધવાર
લીમખેડાના પાલ્લી ખાતે આજે યોજાયેલી જાહેરસભામાં કોંગ્રેસના રાષ્ટ્રી. ઉપાધ્યક્ષે હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલી જનમેદીને સંબોધતા જણાવ્યુ હતું કે હું દેશનો પ્રધાનમંત્રી નથી બનવા માંગતો હું દેશનો ચોકીદાર બનવા માગુ છુ તેમ કહેનાર ચોકીદાર, ચોકીદાર છે કે પછી ભાગીદાર તેમ જણાવી વડાપ્રધાન અને ભાજપ પ્રમુખ સામે આક્ષેપો કર્યા હતા.
લીમખેડામાં આજે તેમની જાહેરસભામાં ઉપસ્થિત જનમેદનીએ કોંગ્રેસ આવે છે ના નારા સાથે તેમને આવકાર્યા હતા. તેમણે વધુમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં વિકાસને શું થયુ છે ? કેવી રીતે થયો પાગલ ? જુઠુ બોલી બોલીને મોદી અને અમિત શાહે વિકાસને પાગલ કરી નાખ્યો. ભાજપ સરકારને ખેડુતો, અને આદિવાસીઓનું શોષણ કરતી સરકાર ગણાવી હતી.
નર્મદાનું પાણી આ વિસ્તારને હજીસુધી કેમ મળ્યુ નથી તેવા પ્રશ્ન પણ તેમણે કર્યા હતા. હિન્દુસ્તાનમાં દર મહિનામાં ૧૦ લાખ બેરોજગારોની સેના તૈયાર થાય છે. રોજગારી આપવાનું કામ સરકારે જ કરવુ પડશે. પરંતું ગુજરાત અને કેન્દ્રની સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસની સરકાર આવશે તો ગરીબ જનતા ખેડુતો તેમજ યુવાનોને રોજગાર આપવા પર રહેશે. આ કામ કોંગ્રેસ કરીને બતાડશે. લીમખેડામાં સભા પુરી થયા બાદ રાહુલ ગાંધીએ આલીયા કબીર મંદિરે પહોંચી દર્શન કર્યા હતા.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/prime-minister-modi-is-not-the-country-s-watchman-but-the-partner-of-the-industry