રાહુલ ગાંધી આજે સુરતમાં, વેપાર-ઉદ્યોગ જગત સાથે વાર્તાલાપ કરશે
November 8, 2017 | 12:15 pm IST
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 8મી નવેમ્બરના બુધવારે સવારે એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યભરમાં નોટબંધીના નિર્ણયને એક વર્ષ પૂરા થવા પર કાળા દિવસની ઉજવણી કરાશે ત્યારે રાહુલ સુરતના ઉદ્યોગોના પ્રતિનિધિઓ તેમજ કામદારો સાથે દિવસ દરમિયાન મુલાકાત કરશે. પાવરલૂમ ઈન્ડસ્ટ્રીઝ , ડાઈંગ એન્ડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી, એમ્બ્રોઈડરી યુનિટ, મહિલા કારીગરો, કાપડના વેપારીઓની રજૂઆતો સાંભળશે. રાહુલની મુલાકાતને લઈ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સુરત પહોંચી ગયા છે.
દિવસભર મુલાકાતના દોર બાદ સાંજે 5.30 વાગ્યે સુરતના અડાજણ ગામે આવેલા સંજીવ કુમાર ઓડિટોરિયમમાં ટ્રેડરો સાથે સંવાદ યોજવામાં આવ્યો છે. આ સંવાદ કાર્યક્રમ બાદ સાંજે સાત વાગ્યે ચોક બજાર, વિવેકાનંદ સ્ટેચ્યુ પાસે બ્લેક ડે નામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે, જ્યાં મીણબત્તી સળગાવી સરકારની નીતિનો વિરોધ કરાશે. દિવસભરના આ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ રાહુલ 8.30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. રાહુલ ગાંધી એ પછી ફરી વાર 11મીથી ત્રણ દિવસનો ગુજરાતનો પ્રવાસ ખેડવાના છે. આ પ્રવાસ દરમિયાન મંદિરોની મુલાકાત લેવાના ભરચક કાર્યક્રમ ગોઠવાયા છે. સાથે જ રોડ શો, જાહેરસભાઓ યોજી વધુમાં વધુ મત વિસ્તારમાં લોકોને મળે તે રીતના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.
Source: http://sandesh.com/gujarat-congress-rahul-gandhi-in-surat/