મોદી-અમિત શાહ વિરૃધ્ધ જનઆક્રોશ છે, ઉપર નથી દેખાતું,લોકોના દિલમાં છે:રાહુલ

અમદાવાદ, તા.11 ઓકટોબર 2017,બુધવાર

ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતના અંતિમ દિવસે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફાગવેલમાં જનસભાને સંબોધી એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાતમાં પરિવર્તન આવશે. એટલું તો ચોક્કસ છેકે, અત્યારે ગુજરાતભરમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરૃધ્ધ જનઆક્રોશ છે. ઉપરથી તો નથી દેખાતુ પણ લોકોના દિલમાં જરૃર છે. તેમણે તલવાર લઇ સ્થાનિકો સાથે પરંપરાગત નૃત્ય કર્યુ હતું.

ફાગવેલમાં નવસર્જન ગુજરાત સભાને સંબોધતા રાહુલ ગાંધીએ મોદી સરકારને આડે હાથે લીધી હતી. તેમણે એવો આક્ષેપ કર્યો કે,સરકાર બેરોજગારોને રોજગારી આપવામાં નિષ્ફળ નિવડી છે. જે વિદ્યાર્થીઓને હું મળ્યો તે પૈકી ઘણાંની આંખો ભીની થઇ ગઇ જયારે રોજગારીની વાત થઇ. ગુજરાતમાં બેરોજગારી વધી છે. ૬૦ વર્ષમાં બેરોજગારોની ફોજ ખડકાઇ રહી છે ત્યારે જો આજ સ્થિતી રહી તો, બેરોજગારોનો આક્રોશ સામે આવશે. ટાટા નેનો કંપનીને ૩૩ હજાર કરોડની લ્હાણી કરી દીધી જે જનતાના હતાં. કેન્દ્ર સરકારે આ રકમ આપી હતી. કોને પૂછીને આ નાણાં આપ્યાં. ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષથી તમાશો ચાલી રહ્યો છે.

નોટબંધી અને જીએસટીના મુદ્દે રાહુલ મોદી પર વરસ્યા હતાં. તેમણે જણાવ્યું કે, જીએસટી-નોટબંધી રાત્રે ૧૨ વાગે અમલી બનશે પણ સરકારને ખેડૂતોના દેવા માફ કરવાનું સુઝતુ નથી. હુ કોંગ્રેસના નેતા તરીકે નહીં, ગુજરાતનો દિકરો બનીને આવ્યો છું. રાહુલ ગાંધીએ મોદીની કટાક્ષ કરતાં કહ્યુ કે, મોદી હવે કહેેેશે, ૨૦૨૫માં દરેક ગુજરાતીને ચંદ્ર પર જવા રોકેટ આપવામાં આવશે, ૨૦૨૮માં દરેક ગુજરાતીને ચંદ્ર પર રહેવા ઘર અપાશે, ૨૦૩૦માં તો ચંદ્રને જ ધરતી પર લાવી દેવામાં આવશે. પાંચ ઉદ્યોગપતિઓજ બંગલામાં રહે છે, વિમાનોમાં ઉડે છે.બાકી તો,સામાન્ય માણસને તો માત્ર આ જ સરકાર સપના જ દેખાડે છે. તમે સાથ આપો,ગુજરાતમાં હવે પરિવર્તન થવાનુ જ છે.

ખેડૂતો પાસેથી જમીનો હડપી લેવી જોઇએ નહીં,બલ્કે તેમને પૂછવુ જોઇએ તેવો ઉલ્લેખ કરતાં રાહુલે જણાવ્યુ કે,ખેડૂતોને જમીનોના ચાર ગણા ભાવ મળવા જોઇએ. અન્ય રાજ્યોમાં જમીન અધિકાર બિલનું પાલન થઇ રહ્યું છે જયારે ગુજરાતમાં તનુ પાલન જ થતું નથી. અમિત શાહના પુત્ર જય શાહના વિવાદને ટાંકતાં તેમણે કહ્યું કે, ૫૦ હજારની કંપની ૮૦ કરોડની થાય ેએવુ માત્ર અમિત શાહના પુત્ર સાથે જ થાય.

રાહુલે એવી ખાતરી આપી કે, કોંગ્રેસની સરકાર આવશે તો, અમિરો નહીં, ખેડૂતોના દેવા માફ કરશે. એટલું જ નહીં, શિક્ષણ-આરોગ્યની સેવાઓ પણ ગરીબોને મફત મળશે. ખેડૂચો-આદિવાસીઓની ઇચ્છા હશે તે કોંગ્રેસની સરકાર કરશે. અગાઉ કોંગ્રેસ સરકારે ૭૦ હજાર કરોડના દેવા માફ કરી દેખાડયાં છ. આમ, રાહુલ ગાંધીએ બીજા તબક્કાના પ્રવાસમાં મધ્ય ગુજરાતને ઘમરોળીને કોંગ્રેસનો ભરપૂર ચૂંટણી પ્રચાર કર્યો હતો.

તા.૧,૨,૩ નવેમ્બરે રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવશે

વિધાનસભાની ચૂંટણીને પગલે રાહુલ ગાંધીએ પણ ગુજરાતના આંટાફેરા વધારી દીધા છે. સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ રાહુલ ગાંધી મધ્ય ગુજરાતમાં રોડ શો,જાહેર સભા યોજીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. રાહુલ ગાંધી હવે દિવાળી બાદ ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવશે. સૂત્રો કહે છેકે, તા.૧,૨,૩જી નવેમ્બરે રાહુલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવશે. ભરૃચથી તેમના રોડ શોનો પ્રારંભ થશે. દક્ષિણ ગુજરાતમાં પણ રાહુલ ત્રણ દિવસીય મુલાકાત લઇને મતદારો સાથે લોકસંપર્ક કરવાનો પ્રયાસ કરશે. રાહુલ ગાંધી અંતિમ તબક્કામાં ઉત્તર ગુજરાતમા આવી શકે છે.

રાહુલ ગાંધી બુધવારે મોડી સાંજે દિલ્હી પરત ફર્યાં હતાં. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ પણ દિલ્હી પહોંચ્યાં છે.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/amit-shah-is-against-corruption-says-rahul-gandhi