ગુજરાત ચૂંટણી: રાહુલ બીજા તબક્કામાં સતત ચાર દિ’ 8મીથી કરશે પ્રચાર

Dec 07, 2017, 01:01 PM IST

અમદાવાદઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવી રહ્યાં છે. આ વખતે તેઓ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં જાહેર સભાઓ સંબોધવાના છે. તેઓ 8થી 11 ડિસેમ્બર સુધી ગુજરાતમાં રહેશે અને વિવિધ સ્થળે સભાઓ સંબોધવાના છે.

નોંધનીય છેકે આજ સાંજથી પ્રથમ ફેઝનું મતદાન જે બેઠકો પર થવાનું ત્યાંનો પ્રચાર થંભી જશે અને બીજા ફેઝની બેઠકો પર મતદાતાઓને રિઝવવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેર સભાઓ સંબોધવામાં આવનારી છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના પ્રવાસની શરૂઆત 8 તારીખે મધ્ય ગુજરાતથી થવાની છે. ત્યારબાદ તેઓ 9 અને 10 તારીખે ઉત્તર ગુજરાતના વિધાનસભા ક્ષેત્રોમાં જાહેર સભાઓ સંબોધશે. પ્રવાસના અંતિમ દિવસે એટલે કે 11 ડિસેમ્બરે તેઓ અમદાવાદ શહેર ખાતે જાહેર સભા સંબોધવાના છે.

ઉલ્લેખનીય છેકે રાહુલ ગાંધી 5થી 8 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં જાહેર સભાઓ સંબોધવાના હતા, પરંતુ 5 તારીખે અંજારમાં સભા સંબોધ્યા બાદ ઓખી વાવાઝોડાની અસર અને વાતાવરણમાં આવેલા પલટાંના કારણે તેમની સભાઓ અને પ્રવાસને રદ કરવામાં આવ્યો હતો. 7 તારીખે થનારી પાર્ટીની ઇવેન્ટને પણ રદ કરીને 8 તારીખે રાખવામાં આવી હતી.

Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-rahul-gandhi-in-gujarat-from-8-to-11-dec-for-election-campaign-gujarati-news-5763574-NOR.html