કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસ માટે આવશે ગુજરાત
October 9, 2017 | 8:39 am IST
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવાર સોમવારથી ત્રણ દિવસની ગુજરાતની યાત્રાએ આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં ટૂંકાગાળામાં આ રાહુલ ગાંધીની બીજી યાત્રા છે. રાહુલ ગાંધીની સોમવારથી ગુજરાત યાત્રાનો પ્રારંભ અમદાવાદના હાથિજણ ખાતેથી થશે. રાહુલની ગુજરાત યાત્રામાં મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાનો પ્રવાસ કરશે જેમાં છોટા ઉદેપુરના બોડેલી તેમજ ફાગવેલ ખાતે જાહેરસભા સંબોધશે. છોટા ઉદેપુરમાં આદિવાસી વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી સંવાદ પણ કરશે જ્યારે કરમસદ ખાતે લોખંડીપુરુષ સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત લેશે જ્યારે દુધમંડળીઓના પ્રતિનિધીઓ સાથે સંવાદ યોજશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ૯,૧૦ અને ૧૧ ઓક્ટોબરના ત્રણ દિવસ પ્રવાસનો કાર્યક્રમ જાહેર કર્યો છે. રાહુલ ગાંધી ૯મીએ સવારે ૧૦ વાગે અમદાવાદ એરપોર્ટ આવશે. શહેરના હાથિજણથી ત્રણ દિવસની ચૂંટણીલક્ષી યાત્રાનો પ્રારંભ કરશે. ખેડા જિલ્લાના ખાતરજ ચાર રસ્તા ખાતે ૧૧ઃ૪૦ કલાકે સભા સંબોધશે પછી બપોરે ૧ વાગે નડિયાદના સંતરામ મંદિરના દર્શને જશે. ત્યાંથી સરદાર પટેલના જન્મ સ્થળની મુલાકાત લેશે. દેદરડા ગામ આણંદ ખાતે દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે.આણંદના રાઠોડ ચોક ખાતે ભાવ વધારા અંગે બેઠક યોજશે. સાંજે બોરડ અને આંકલવ થઈને સાંજે ૭ઃ૧૫ કલાકે વડોદરાના સયાજીરાવ હોલ ખાતે વેપારીઓ સાથે બેઠક કરશે.
૧૦મીએ યાત્રાના બીજા દિવસે રાહુલ ગાંધી વડોદરા બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ ખાતે પ્રાર્થનામાં જોડાશે પછી સયાજી હોલ ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. કરજણ ખાતે બેઠક યોજશે. તેમજ ડભોઈમાં આશા વર્કર-આગણવાડી કાર્યકરો સાથે વાતચીત કરશે. ડભોઈ માર્કેટ યાર્ડમાં સંબોધન કરશે. છોટા ઉદેપુરના ગામડી ખાતે બેઠક યોજશે. છોટા ઉદેપુરના બોડેલી ખાતે જાહેર સભા સંબોધશે. છેલ્લા ત્રીજા દિવસે સવારે ૧૦ વાગે છોટા ઉદેપુરના દરબાર હોલ ખાતે આદીવાસી વિદ્યાર્થીઓ સાથે બેઠક કરશે. દેવગઢ બારિયા ખાતે બેઠક બેરોજગારીના મુદ્દે બેઠક યોજશે. લીમખેડા ખાતે બપોરે ૧ઃ૧૦ વાગે આદિવાસી અધિકારો પર બેઠક કરશે. દાહોદ સાલિયાના કબીર મંદિરે દર્શન કરશે. પંચમહાલના સંત રોડ ખાતે એક બેઠક યોજશે. ગોધરાના તુવા ગામ ખાતે કામદારો સાથે બેઠક કરશે અને સાંજે ૫ઃ૨૦ કલાકે ભાથીજી મહારાજ ફાગવેલના દર્શન કરી જાહેર સભા સંબોધશે.
રાહુલ ગાંધી ત્રણ દિવસમાં ત્રણ ર્ધાિમક સ્થળોની મુલાકાત લેશે
રાહુલ ગાંધી યાત્રા દરમિયાન ત્રણ મોટા ર્ધાિમક સ્થળોની મુલાકાત લેશે. મધ્ય ગુજરાતના નડિયાદ ખાતે સંતરામ મંદિરની મુલાકાત લેશે. જ્યારે દાહોદ સાલિયાના કબીર મંદિરના દર્શન કરવા પણ રાહુલ ગાંધી ખાસ જવાના છે જ્યારે ફાગવેલ ખાતે ભાથીજી મહારાજના દર્શન કરવા પણ રાહુલ ગાંધી જવાના છે. સંતરામ મંદિર મધ્ય ગુજરાત જ નહીં પણ આખા ગુજરાતમાં આસ્થાનું પ્રતિક છે. અહીં રાહુલ ગાંધી દર્શન કરવા જશે.
સરદારની જન્મભૂમિ અને આંબેડકર સંકલ્પભૂમિની મુલાકાત લેશે
રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન પાટીદારો, આદિવાસી અને દલિત સમાજના યુવાનોને આકર્ષવા માટે ખાસ આયોજન દેખાઇ રહ્યું છે. રાહુલની યાત્રા દરમિયાન પ્રથમ દિવસે જ તેઓ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મભૂમિ કરમસદની મુલાકાત લેશે તો બીજા દિવસે વડોદરા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની સંકલ્પભૂમિની મુલાકાત લઇ પ્રાર્થના સભામાં જોડાશે. જ્યારે રાહુલ યાત્રા દરમિયાન આદિવાસી યુવાનો સાથે સંવાદ કરશે. આશા વર્કર બહેનો, કામદારો, વેપારી, દુધમંડળીના કામદારો સહિત બેરોજગાર યુવાનો સાથે બેઠકો કરશે.
Source: http://sandesh.com/next-3-days-rahul-gandi-visit-gujarat/