રાહુલ ગાંધી આજે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે, રોડ શો કરી સભા સંબોધશે
October 10, 2017 | 8:47 am IST
ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવેલા રાહુલ ગાંધી આજે તેમની યાત્રા વડોદરાથી શરૂ કરશે અને છોટાઉદેપુર, બોડેલી, કરજણ, ડભોઈની મુલાકાત લેશે. રાહુલ ગાંધી સંકલ્પભૂમિ ખાતે પ્રાર્થના કરી સયાજી હોલ ખાતે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. ત્યારબાદ તેઓ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે જશે.
રાહુલ ગાંધી આજરોજ ડભોઇ જશે જ્યાં તેઓ આશાવર્કસ સાથે વાતચીત કરશે અને APMC ખાતે સભા પણ સંબોધશે. ત્યાંથી તેઓ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે કોલેજ ગ્રાઉન્ડમાં 20,000ની મેદનીને સંબોધન કરશે. અત્રેથી સભા પૂર્ણ કર્યા પછી છોટાઉદેપુર ખાતે રાહુલ ગાંધીના કાફલો રવાના થશે. રાત્રિ રોકાણ છોટાઉદેપુર સર્કિટહાઉસ ખાતે કરશે. બીજા દિવસે સવારે 11 વાગ્યે છોટાઉદેપુરના દરબાર હોલમાં આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
કોંગ્રેસના ગઢ ગણાતાં પાદરામાં આજે રોડ શો યોજાશે
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પાદરામાં પણ આજે આગમન કરશે. પાદરા ખાતે રોડ શો તેમજ વેપારીઓ અગ્રણીઓ, પાટીદારો તેમજ કોંગ્રેસ કાર્યકરોને મળશે. પાદરાના જકાતનાકા પાસે 11 કલાકે યુથ કોંગ્રેસના કાર્યકરો તેમજ કોંગ્રેસ સંગઠન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. રાહુલ ગાંધીનું ભાયલી ખાતે કોંગી કાર્યકરો દ્વારા સન્માન કરવામાં આવ્યા બાદ લક્ષ્મીપુરા, પાદરામાં રોડ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે અને તેઓ સભા સંબોધન કરશે.
Source: http://sandesh.com/rahul-gandhi-gujarat-visit-tuesday-10-october-schedule-details/