રાહુલ ગાંધી દિવાળી બાદ ગુજરાતમાં દક્ષિણ અને ઉત્તર ઝોનને ધમરોળશે
Oct 13, 2017
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૨
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સૌરાષ્ટ્ર અનેે મધ્ય ગુજરાતના પ્રવાસની જબ્બર સફળતા પછી આગામી દિવાળી બાદ રાહુલ ગાંધીના દક્ષિણ ગુજરાતના પ્રવાસનું આયોજન કરાયું છે. ત્યારબાદ છેલ્લે ઉત્તર ગુજરાતનો પ્રવાસ ગોઠવવામાં આવશે. આ તમામ પ્રવાસોમાં પણ અગાઉની જેમજ મહત્તમ મંદિરોને આવરી લેવાશે. ઉપરાંત યુવાનો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમ પણ યોજવામાં આવશે.
રાહુલ ગાંધીના સૌરાષ્ટ્ર ઝોન અને મધ્ય ઝોનના ચૂંટણી પ્રવાસની જબરદસ્ત સફળતા અને સાંપડેલા અભૂતપૂર્વ લોકસમર્થન બાદ ગુજરાત કોંગ્રેસમાં જોરદાર ઉત્સાહ અને ઉર્જાનો સંચાર થયો છે અને તેથી હવે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના રાહુલ ગાંધીના ચૂંટણી પ્રવાસને પણ સફળ બનાવવાની અસરકારક કવાયત હાથ ધરવામાં આવી છે. રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્ર ઝોન અને મધ્ય ઝોનના ચૂંટણી પ્રવાસ દરમ્યાન કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર પર નોટબંધી, જીએસટી ઉપરાંત, બેરોજગારી, ખેડૂતો, મહિલાઓ સહિતના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા તો સાથે સાથે કોંગ્રેસની સરકાર આવે તો રાજયમાં ખેડૂતોના તમામ દેવા માફ, બેરોજગાર યુવાનોને રોજગાર, મહિલાઓને સુરક્ષાના વચનો આપવાની સાથે કોંગ્રેસની સરકાર એ લોકોની સરકાર હશે તેવી ખાતરી આપી હતી. ખાસ કરીને આદિવાસી અને પછાત વિસ્તારોમાં રાહુલ ગાંધીનું લોકોએ ફુલહારથી સ્વાગત કરી તેમનું અભિવાદન ઝીલવા ભારે પડાપડી કરી હતી.
રાહુલ ગાંધીની જાહેરસભામાં ઉમટેલા લોકો અને તેમના ઉત્સાહને લઇને જ આ વાત સ્પષ્ટ થઇ જતી હતી. રાહુલ ગાંધીના ચૂંટણી પ્રવાસની સફળતા અને લોકસમર્થનને જોઇને ગુજરાત કોંગ્રેસમાં પણ આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મ્હાત આપવા નવા પ્રાણ ફુંકાયા છે. હવે દિવાળી પછી તા.૨૪ ઓકટોબરની આસપાસ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતની શકયતાઓ સેવાઇ રહી છે, તેથી ગુજરાત કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક નેતાઓએ દક્ષિણ ગુજરાતના રાહુલ ગાંધીના ચૂંટણી પ્રવાસને સફળ બનાવવાની તૈયારીઓ આરંભી છે.
Source: http://www.gujarattoday.in/rahul-gandhi-diwali-bad-gujaratma/