રાહુલ ગાંધીએ ગુજરાત યાત્રાની તારીખમાં કર્યો ફેરફાર, જાણો તેમનો આખો કાર્યક્રમ

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની ચોથા તબક્કાની ઉત્તર ગુજરાત યાત્રા ૯મીથી શરૃ થવાની હતી, જોકે હવે કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. હવે આ યાત્રા બે દિવસ મોડી એટલે કે ૧૧મીથી શરૃ થશે. રાહુલ ૧૧,૧૨ અને ૧૩ નવેમ્બરે ત્રણ દિવસ ઉત્તર ગુજરાતની યાત્રા કરશે, જેમાં અંબાજી તેમજ બહુચરાજી મંદિર, વાળીનાથ મંદિરના દર્શન કરશે.

કોંગ્રેસના સૂત્રો કહે છે કે, રાહુલ ગાંધી ૧૧મીએ ચિલોડાથી યાત્રાનો પ્રારંભ કરશે. ચિલોડાથી દહેગામ, પ્રાંતિજ, હિંમતનગર, શામળાજી અને રાતે ૮ કલાકે અંબાજી મંદિરના દર્શન કરશે. બીજા દિવસે ૧૨મીથી અંબાજી ખાતેથી યાત્રાનો પ્રારંભ થશે. અંબાજીથી પાલનપુર, ડીસા, ભીલડી, શિહોરી, થરા, રાધનપુર ફરશે, ઠેર ઠેર સ્વાગત કાર્યક્રમ રખાયા છે.

ભરવાડ સમાજના વાળીનાથ મંદિરની પણ રાહુલ મુલાકાત લેશે. ત્રીજા દિવસે એટલે કે ૧૩મીએ પાટણ, હારિજની મુલાકાત લેશે. છેલ્લા દિવસે શંખેશ્વર મંદિર અને બહુચરાજી મંદિરના દર્શન કરશે. બહુચરાજીમાં જાહેર સભા યોજવામાં આવશે. ૧૩મીએ મહેસાણામાં જીઆઈડીસી હોલમાં વેપારીઓ, ઉદ્યોગ જગતના લોકો સાથે જીએસટી અને નોટબંધી વિષય પર સંવાદ કાર્યક્રમ યોજશે. ત્યાર બાદ મહિલા સંમેલન યોજાશે. વિજાપુર ખાતે આ યાત્રાનું સમાપન થશે. રાહુલની આ ચોથા તબક્કાની યાત્રામાં વધુમાં વધુ વિધાનસભા બેઠકો આવરી લેવામાં આવશે. રાહુલે ૮મી નવેમ્બરે સુરતમાં આવવાની પણ જાહેરાત કરી હતી.

Source: http://sandesh.com/rahul-gandhi-fourth-gujarat-yatra-dates-changes/