ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો જીએસટીમાં સુધારો કરાશે : રાહુલ
Oct 12, 2017
ગોધરા, તા.૧૧
ગુજરાતમાં કોંગ્રેસની નવસર્જન યાત્રાના બીજા તબક્કાના અંતિમ દિવસે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજરોજ ગોધરા ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું ધામધૂમથી સ્વાગત કરાયું હતું.
નવસર્જન યાત્રાના ત્રીજા દિવસે રાહુલ ગાંધી છોટાઉદેપુરથી દેવગઢ બારિયા, ત્યારબાદ લીમખેડા, સાલિયા, પંચમહાલના સંતરોડ થઈ ગોધરા આવ્યા હતા. જ્યાં સેનટઑનોલડ શાળા પાસે લોકોનું અભીવાદન ઝીલ્યું હતું અને લોકોને તમે બધા કેમ છો? તેવું કહેતા લોકો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા અને અમે બધા મજામાં છે અને રાહુલ ગાંધી તુમ આગે બઢો હમ તુમહારે સાથ હેં તેવી ચીંચીયારીઓ પાડી પુષ્પ ગુચ્છ વસાવ્યા હતા ત્યારબાદ ભામૈયા ચોકડી પાસે ગોધરાના લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને દરેક સમાજના આગેવાનો જોડે હેન્ડશેક કર્યું હતું ત્યારબાદ ટુવા ગામે હરપ્રિત ધાબા ખાતે લોકો જોડે સંવાદ કર્યો હતો અને લોકોએ જીએસટી વિશે વિરોધ કર્યો હતો જ્યારે રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો જરૂરથી જી.એસ.ટીમાં સુધારો કરાશે તેમ જણાવ્યું હતું અને ખેડૂતોના દેવા માફ કરાશે તેમ જણાવ્યું હતું.
છોટાઉદેપુરથી ટુવા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક સ્થળોએ લોકોને સાંભળ્યા હતા અને કોર્નર મીટિંગ પણ કરી હતી. તેમજ સામાન્ય લોકો અને સમાજના અગ્રણીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. રાહુલ ગાંધીની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને યુવા રોજગાર કિસાન અધિકારના સ્લોગન સાથે નવસર્જન યાત્રાનો આ બીજો તબક્કો છે. જેમાં તેમણે ત્રણ દિવસ સુધી મધ્ય ગુજરાતના સાત જિલ્લાની ૩૫ વિધાનસભા વિસ્તારમાં સંવાદ કર્યો છે. તેમજ જીએસટી, નોટબંધી, અમિત શાહના પુત્ર જય શાહના કંપનીના કારનામા, ગુજરાતનું ફેલ વિકાસ મોડેલ સહિતના અનેક મુદ્દાઓ લોકો સમક્ષ મુક્યા છે.
રાહુલ ગાંધી નવસર્જન યાત્રાના ત્રીજા તબક્કામાં ૧૪થી ૧૬ ઓક્ટોબર દરમ્યાન ફરી એકવાર ગુજરાતમાં આવવાના છે.
Source: http://www.gujarattoday.in/gujarat-ma-congress-ni-sarkar-avshe-to/