રાહુલ ગાંધી: મોદીએ તાતાને ૩૩૦૦૦ કરોડની ખેરાત કરી ગુજરાતીઓને નેનોમાં નોકરી કે નેનો કાર મળી?

નવી દિલ્હી, તા. 26 નવેમ્બર, 2017, રવિવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયાને નબળો પ્રતિસાદ મળી રહ્યાનો દાવો વિપક્ષે કર્યો છે. હવે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે ટોણો મારતા કહ્યું હતું કે મોદીનો મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ મૃતપ્રાય બની ગયો છે. ટાટાના ગુજરાતમાં નેનો પ્રોજેક્ટને ટાંકીને રાહુલે આ નિવેદન કર્યું હતું અને કહ્યું હતું કે આવા અનેક પ્રોજેક્ટ નિષ્ફળ રહ્યા છે.

રાહુલે કહ્યું હતું કે ગુજરાતના કરદાતાઓના આશરે ૩૩,૦૦૦ કરોડ રૃપિયા રાખ થઇ ગયા કેમ કે સરકારે આટલા નાણા જે ઉધ્યોગ માટે લોન પેટે આપ્યા હતા તે ઉધ્યોગ જ ઠપ થઇ ગયો છે. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ મૃતપ્રાય બની ગયો છે. રાહુલે કહ્યું હતું કે સરકારે આ રકમ ટાટા નેનો પ્રોજેક્ટ માટે લોન પેટે આપી હતી જેનો કોઇ જ હિસાબકિતાબ નથી. પહેલી નવેમ્બરે પણ રાહુલ ગાંધીએ સાણંદની મુલાકાત લીધી હતી. જે દરમિયાન પણ તેઓએ નેનો પ્રોજેક્ટને લઇને મોદી સરકારને ઘેરી હતી.

રાહુલે કહ્યું હતું કે કોંગ્રેસની સરકારે મનરેગા યોજના માટે ૩૩,૦૦૦ કરોડ વાપર્યા જ્યારે મોદીએ આટલી રકમ નેનો માટે લોન પેટે આપી પણ આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો અને આટલી રકમ પણ રાખમાં ફેરવાઇ ગઇ જે ગુજરાતીઓની મહેનતની કમાણી હતી. આ ફેક્ટ્રીમાંથી ગુજરાતીઓને કોઇ જ લાભ નથી મળ્યો. ઉલટા નુકસાન થયંુ. તેઓએ સવાલોનો મારો ચલાવ્યો તો અને પૂછ્યું હતું કે શું ગુજરાતની જનતાને ટાટા નેનોમાં નોકરી મળી ?, શું લોકોના ઘરે ટાટા નેનો આવી ?

Source: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/is-there-a-job-or-a-nano-car-in-the-nano-