મોદી, દેશના લોકોનો સમય બગાડવાનું બંધ કરી બેરોજગારી દૂર કરે : રાહુલ ગાંધી
– યુવાનો અને ખેડૂતોની સમસ્યા દૂર કરી શક્તા ન હોય તો કોંગ્રેસને સત્તા આપે, કોંગ્રેસ છ માસમાં પરિણામ આપશે તેવો દાવો
(પી.ટી.આઈ.) અમેઠી, તા. ૪ બુધવાર, ઓક્ટોબર 2017
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન દેશના લોકોનો સમય બગાડવાનું બંધ કરી બેરોજગારી દૂર કરે.
પોતાના મત વિસ્તાર અમેઠીની મુલાકાતે ગયેલા રાહુલે વધુ જણાવ્યું હતું કે મોદીથી બેરોજગારી દૂર ન થઇ શકે તો કોંગ્રેસને કહે તે છ માસમાં દૂર કરી દેશે.
ખેડૂતો અને યુવાનો ચિંતાના મુખ્ય મુદ્દા છે. મોદીજી તે અંગે કંઇ કરી શકતા નથી.
ઉત્તર પ્રદેશના કઠવાડામાં ચૌપાલના કાર્યક્રમમાં બોલતાં તેમણે જણાવ્યું હતું કે યુવાનોને દેશ માટે કામ કરવાની તક મળતી નથી. તેઓ રોષે ભરાયા છે. ખેડૂતો આત્મહત્યા કરે છે. મોદી સમય બગાડવાનું બંધ કરી આ મુદ્દા પર ધ્યાન આપે.
અમેઠીના વિકાસ માટેના આયોજનોના ભાજપના વિરોધ અંગે બોલતાં તેમણે જણાવ્યું હતું કે ભાજપે લોકોના હિત પર પ્રહાર કર્યો છે. પરંતુ પોતે આ આયોજનો માટે લડત આપશે.
એનડીએ સરકારની મેક ઇન ઇન્ડિયા જેવી સ્કિમો અંગે બોલતાં તેમણે જણાવ્યું હતું કે આ યોજનાઓનો કોઇ અર્થ નથી. અમેઠીની મુલાકાતના બીજા દિવસે રાહુલ ગાંધી સામાન્ય જનતાને પણ મળશે અને પક્ષના કાર્યકરોને સંબોધન કરશે.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/modi-the-people-of-the-country-to-stop-unemployment-and-stop-the-unemployment-rahul-gandhi