રાહુલ ગાંધીએ મોદીને કર્યો પ્રશ્ન: નષ્ટ કરાયેલ ગુજરાતના વેપારની જવાબદારી લેશે સરકાર?

નવી દિલ્હી, તા. 10 ડિસેમ્બર 2017 રવિવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી રણનીતિ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુજરાતમાં 22 વર્ષના ભાજપના શાસન પર રોજ એક પ્રશ્ન કરી રહ્યા છે.

જેમાં રાહુલે ટ્વીટ કરતા જીએસટી અને નોટબંધી બાદથી ગુજરાતના વેપારીઓની સમસ્યાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા લખ્યુ કે નાના વેપારીઓ ત્રસ્ત, મોટા ઉદ્યોગપતિઓ છે મસ્ત, GST અને નોટબંધીની બેવડી માર, સુરત-રાજકોટ-અલંગ-અંજાર, નષ્ટ કર્યા ગુજરાતના વેપાર, શું જવાબદારી લેશે સરકાર?

અગાઉ રાહુલ ગાંધીએ એક-એક કરીને વડાપ્રધાન મોદીને 10 પ્રશ્ન પૂછ્યા હતા. શનિવારે વડાપ્રધાન મોદી પર પ્રશ્નોના જવાબ ન આપવા બાબતે અને માત્ર ભાષણ કરવાનો આરોપ લગાવતા રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને પૂછ્યુ હતુ કે શું તમારુ ભાષણ જ શાસન છે.

રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વચ્ચે પોતાના પ્રશ્નોમાં ગુજરાતમાં શિક્ષણ, રોજગાર, મહિલા સુરક્ષા, આદિવાસીઓની સમસ્યા જેવા મહત્વના મુદ્દાઓને ઉઠાવ્યા છે. રાહુલે પહેલા જ સવાલ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના ગરીબ-બેઘરને ઘર આપવાના વચનોની યાદ અપાવી હતી.

Source: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/assembly-elections-2017-gujarat-rahul-gandhi-question-pm-narendra-modi