રાહુલ ગાંધીએ કાર્યકરોને સંબોધન કરતાં કહ્યું કે, રાજ્યમાં આગામી સરકાર કોંગ્રેસની બનશે

December 23, 2017, 6:48 pm

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અમદાવાદમાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં ભાગ લીધો અને કોંગ્રેસી કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. આ સાથે નવા ચૂંટાયેલા કોંગ્રેસી ધારાસભ્યોને પણ મળ્યા હતા. રાહુલે સમિક્ષા બેઠકમાં કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ સારી રીતે ચૂંટણી લડયું અને તેનું પરિણામ પણ જોવા મળ્યું.

કોંગ્રેસે બતાવી દીધુ કે જો કોંગ્રેસના સૌ કાર્યકરો સાથે મળી ચૂંટણી લડે તો જીતી શકે છે. કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા લોકો સામે લાલ આંખ કરતા રાહુલે કહ્યું કે 5 ટકા લોકોએ કોંગ્રેસને ચૂંટણીમાં સમર્થન નથી કર્યું અને સારી રીતે કામ નથી કર્યું જેથી તેમની સામે પ્રેમથી કાર્યવાહી કરવામાં આવશે.

આ સાથે કહ્યું કોંગ્રેસ 2022ની ચૂંટણીમાં 135 બેઠકો જીતીને સરકાર બનાવશે. આ સાથે ભાજપની નવી સરકારને અભિનંદન આપ્યા હતા અને પ્રજાનું કામ કરવા માટે સલાહ આપી હતી.

Source: http://sambhaavnews.com/gujarat/rahul-gandhi-addressing-the-activists/