રાહુલ ગાંધી ૧ નવેમ્બરથી ચૂંટણી પ્રવાસ જંબુસરથી શરૂ કરશે

અમદાવાદ,તા. ૨૯

સૌરાષ્ટ્ર ઝોન અને મધ્ય ગુજરાતના ચૂંટણી પ્રવાસ બાદ હવે દક્ષિણ ગુજરાતના ચૂંટણી પ્રવાસ માટે રાહુલ ગાંધી તા.૧લી નવેમ્બરે ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. રાહુલ ગાંધી તેમના દક્ષિણ ગુજરાતના પ્રવાસની શરૂઆત ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેથી કરવાના છે. તો, પારિદામાં રોડ-શો યોજશે. આ સિવાય વ્યારાથી ડોલવણ સુધી પણ રાહુલ ગાંધી વિશાળ રોડ-શો યોજી લોકોની વચ્ચે રહેશે.

નવસારી અને સુરતમાં પણ રાહુલ ગાંધીની વિશાળ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ચૂંટણી પ્રવાસ દરમ્યાન રાહુલ ગાંધી લોકો સાથે સીધો સંવાદ યોજશે અને ખાસ કરીને મહિલાઓ, ખેડૂતો અને બેરોજગાર યુવાનોની વ્યથા સાંભળશે. સુરતના છેલ્લા કાર્યક્રમને આટોપી તેઓ સુરતથી જ દિલ્હી જવા પરત ફરશે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા.૧થી ૩ નવેમ્બર દરમ્યાન દક્ષિણ ગુજરાતના તેમના ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રવાસમાં ૪૫૦ કિલોમીટરથી વધુનો પ્રવાસ ખેડે તેવી શકયતા છે.

દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ અને મહાનગરોની તેઓ મુલાકાત લેશે. સુરતના પાટીદારોના ગઢ ગણાતા એવા પૂર્વ વિસ્તારમાં રાહુલ ગાંધી વિશાળ જાહેરસભા સંબોધશે. આ સિવાય રોડ-શો, લોકસંવાદ અને રૂબરૂ મુલાકાત દ્વારા તેઓ પ્રજાની વચ્ચે રહી કોંગ્રેસ તરફી લોકજુવાળ ઉભો કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ આ વખતે પોતાના ચૂંટણી પ્રવાસ દરમ્યાન હિન્દુત્વનું કાર્ડ ખેલી દેવદર્શન અને મંદિરોમાં ભજન, ગાયોને ચારો ખવડાવી જનસમુદાયનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તો, ભાજપે પણ રાહુલ ગાંધીના હિન્દુત્વના મુદ્દા પર ટીકાત્મક નિવેદનો કર્યા છે. જો કે, રાહુલ ગાંધી દક્ષિણ અને ઉત્તર ગુજરાતના ચૂંટણી પ્રવાસ દરમ્યાન પણ મહત્તમ દેવ દર્શન અને ગરીબ અને પછાત મહિલાઓ અને યુવાનો સાથે લોકસંવાદ યોજી જાહેરસભાઓ, રોડ-શો અને પ્રશ્નોત્તરી કાર્યક્રમો યોજી પોતાનું ચૂંટણી પ્રચાર અભિયાન ચાલુ રાખવા મક્કમ છે.

રાહુલ ગાંધીના સૌરાષ્ટ્ર ઝોન અને મધ્ય ઝોનના ચૂંટણી પ્રવાસની જબરદસ્ત સફળતા અને સાંપડેલા અભૂતપૂર્વ લોકસમર્થન બાદ ગુજરાત કોંગ્રેસમાં જોરદાર ઉત્સાહ અને ઉર્જાનો સંચાર થયો છે અને તેથી હવે દક્ષિણ ગુજરાતના ચૂંટણી પ્રવાસ દરમ્યાન રાહુલ ગાંધીના ખાસ રોડ-શો, જાહેરસભા અને લોકસંવાદ કાર્યક્રમોનું કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું છે. આ માટે આવતીકાલે દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોની એક મહત્વની બેઠક પણ કોંગ્રેસે બોલાવી છે, જેમાં રાહુલ ગાંધીના પ્રચાર પ્રવાસને લઇ ખાસ માર્ગદર્શિકા અને રણનીતિ તૈયાર કરવામા આવશે.

Source: http://www.gujarattoday.in/rahul-gandhi-1st-novembert/