ઊનામાં દલિતો પર અત્યાચારના મામલે મોદી કેમ મૌન? : રાહુલ ગાંધી
December 13, 2017 | 6:26 am IST
નવી દિલ્હી :
ગુજરાતમાં ચૂંટણી પ્રચારને ધ્યાનમાં રાખીને કોંગ્રેસનાં નવા ચૂંટાયેલા પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા પીએમ મોદીને દરરોજ નવા નવા પ્રજાલક્ષી પ્રશ્નો પૂછવામાં આવે છે. ૨૨ સાલો કા હિસાબ માગે ગુજરાત જવાબ સિરીઝ હેઠળ તેમણે ઊનામાં દલિતો પર કરવામાં આવેલા અત્યાચાર પર સવાલ પૂછયો હતો. રાહુલે ૧૪મો પ્રશ્ન કર્યો હતો કે, ઊનામાં દલિતો પર કરવામાં આવેલા અત્યાચાર અંગે મોદી મૌન કેમ છે? ગુજરાતમાં દલિતોને અસુરક્ષા સિવાય સરકારે શું આપ્યું છે? ગુજરાતમાં દલિતો માટે નથી રોજગાર કે નથી શિક્ષણ, તેમને માત્ર અહીં અસુરક્ષા જ મળી છે. દલિતો માટે સરકાર દ્વારા અનેક કાયદા બનાવવામાં આવ્યા છે પણ તેમાંથી કેટલાનો અમલ કરાયો છે? ગયા વર્ષે ઊનામાં મૃત્યુ પામેલી ગાયનું ચામડું કાઢવાના મામલે લોકોએ કાયદો હાથમાં લઈને ચાર દલિતોને ઢોરમાર માર્યો હતો.
શું છે રાહુલનો ૧૪મો સવાલ?
ન જમીન, ન રોજગાર, ન સ્વાસ્થ્ય, ન શિક્ષા, ગુજરાત કે દલિતો કો મિલી હૈ બસ અસુરક્ષા, ઊના કી દર્દનાક ઘટના પર મોદીજી હૈ મૌન, ઈસ ઘટના કી જવાબદેહી લેગા ફિર કૌન? કાનૂન કો બહુત બને દલિતો કે નામ, કૌૈન દેગા મગર ઈન્હે સહી અંજામ?
રાહુલે સોમવારે કહ્યું હતું કે મૌનસાહેબ પાસેથી જવાબની આશા છે
રાહુલ ગાંધીએ સોમવારે તેમના ૧૩મા સવાલમાં કેન્દ્ર સરકાર પર લોકપાલની નિયુક્તિ નહીં કરવાનો અને કૌભાંડો આચરીને કેટલાંક વેપારીઓ અને ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડયાનો આક્ષેપ કર્યો હતો. મૌનસાહેબ પાસેથી જવાબની અપેક્ષા છે. કોના અચ્છે દિન માટે સરકાર બનાવી છે?
વડા પ્રધાનનાં ભાષણમાં વિકાસ કેમ ગુમ છે?
શનિવારે રાહુલે ટ્વિટ કર્યું હતું કે ગુજરાતમાં ૨૨ વર્ષથી ભાજપની સરકાર છે કયા કારણથી વડા પ્રધાનનાં ભાષણમાં વિકાસ ગુમ છે? મેં ગુજરાતના રિપોર્ટ કાર્ડથી મોદીને ૧૦ સવાલ પૂછયા છે જેમાંથી કોઈનો જવાબ તેમણે આપ્યો નથી. પહેલા તબક્કાનો પ્રચાર પૂરો થયો ત્યાં સુધી ઘોષણાપત્ર જાહેર કરાયું નથી તો શું હવે ભાજપ માટે ભાષણ જ શાસન છે?
Source: http://sandesh.com/una-dalit-on-abuse/