કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ આવતીકાલે રાજકોટમાં

અમદાવાદ,તા.ર૬

કોંગ્રેસપક્ષના દિગ્ગજ રાષ્ટ્રીય નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ્‌ તા.૨૮મી ઓકટોબરના રોજ ગુજરાતમાં રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગયા બાદ હવે કોંગ્રેસ એકદમ ફુલ એકટીવ મોડ પર આવી ગયું છે અને તેના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારી પોતાની તરફેણમાં પ્રચંડ લોકસમર્થન અને લોકજુવાળ ઉભો કરવા માંગે છે.

ચિદમ્બરમ્‌ રાજકોટની તેમની મુલાકાત દરમ્યાન વેપારીઓ, બુધ્ધિજીવીઓ, ઉદ્યોગકારો સાથે ખાસ સંવાદ કાર્યક્રમ યોજશે. સાથે સાથે નોટબંધી, જીએસટી સહિતના મુદ્દાઓને લઇ મોદી સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરે તેવી શકયતા છે. પી.ચિદમ્બરમ્‌ પોતે વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને કુશળ આર્થિક વિશ્લેષક પણ હોઇ તેમની મુલાકાત દરમ્યાન તેઓ આધારભૂત અને આંકડાકીય તથ્યો સાથે મોદી સરકાર અને ભાજપ સરકારની પોલ ખોલે તેવી પણ સંભાવના છે.

ચિદમ્બરમની ગુજરાત મુલાકાતને લઇ ગુજરાત કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ અને આયોજન ચાલી રહ્યા છે. નોટબંધી, જીએસટી સહિતના મુદ્દાઓને લઇ ચિદમ્બરમ દેશની આર્થિક સ્થિતિ અને તેને પરિણામે ગુજરાતના આર્થિક ચિત્રથી વેપારીઓ, ઉદ્યોગકારો અને બુધ્ધિજીવીઓને આંકડાકીય માહિતી સાથે વાકેફ કરશે અને તેઓની સાથે સીધો સંવાદ યોજશે. જેના ભાગરૂપે દિગ્ગજ નેતાઓને તબક્કાવાર ગુજરાત બોલાવી તેમના મારફતે પ્રચાર-પ્રસાર કરી રાજયના ખૂણેખૂણે મોટાપાયે પોતાની તરફેણમાં લોકજુવાળ ઉભો થાય અને ચૂંટણી વખતે પ્રચંડ જનસમર્થન મતદાન સ્વરૂપે પ્રાપ્ત થાય તેની આખી ગણતરી ગોઠવી રહ્યું છે.

Source: http://www.gujarattoday.in/congress-na-diggaj-neta-and/