મનમોહનસિંહ પર મોદીના આરોપો જુઠા, માફી માગે
નવી દિલ્હી, તા. ૨૦ ડિસેમ્બર 2017, બુધવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા હતા. જેને પગલે રાજ્યસભામાં સત્ર દરમિયાન વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો અને માગણી કરી હતી કે મનમોનસિંહ પર જુઠા આરોપો બદલ મોદીએ માફી માગવી જોઇએ. બીજી તરફ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે માફી માગવા જેવી કોઇ વાત જ નથી. માત્ર રાજ્યસભા નહીં લોકસભામાં પણ હોબાળો મચાવ્યો હતો.
જોકે વિપક્ષ માફીની માગણે સાથે ભારે હોબાળો મચાવ્યો હતો, રાજ્યસભાની કાર્યવાહી શરુ થતા જ વિપક્ષે આ મુદ્દો ઉઠાવ્યો હતો. અને માફીની માગણી સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. નાયડુએ માફી માગવાની વાતનો સ્વીકાર કરવાની ના પાડી દીધી હતી જે બાદ વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે જો માફી ન માંગે તો કોઇ વાંધો નહીં પણ અમે ઇચ્છીએ છીએ કે મોદી રાજ્યસભામાં આવીને એ વાતની સ્પષ્ટતા કરે કે તેઓએ મનમોહનસિંહ પર જે આરોપો લગાવ્યા હતા તે જુઠા હતા અને માત્ર ગુજરાતની ચૂંટણી જીતવા માટે જ આ આરોપો લગાવવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો માહોલ હતો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે મણીશંકર ઐયરના ઘરે એક બેઠક મળી હતી, જેમાં મનમોહનસિંહ, તત્કાલીન સૈન્ય વડા અને પાકિસ્તાનના કેટલાક અધિકારીઓ સામેલ થયા હતા. આ બેઠકમાં ગુજરાતની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે યોજના ઘડી હતી. જોકે મોદીએ આ દાવાના કોઇ પુરાવા નહોતા આપ્યા. બાદમાં તત્કાલીન સૈન્ય વડાએ પણ કહ્યું હતું કે હું આ બેઠકમાં હાજર હતો પણ ગુજરાત મુદ્દે કોઇ જ વાત નહોતી થઇ, મોદીના આરોપો સાચા નથી.
સંસદમાં હાલ શીયાળુ સત્ર ચાલી રહ્યું છે. જેને પગલે વિપક્ષે તકનો લાભ લઇને આ મુદ્દો ઉઠાવ્યો હતો અને જુઠા આરોપો ન લગાવવાની મોદીને સલાહ આપી હતી. દરમિયાન લોકસભાએ એક બિલ પણ પસાર કર્યું છે. સ્થાવર સંપત્તિને લગતુ આ સુધારા બીલ લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું, જેને પસાર કરી દેવામાં આવ્યું છે. હવે તેને રાજ્યસભામાં રજુ કરવામાં આવશે.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/modi-s-allegations-against-manmohan-singh-forgiveness-parliament-dissolves-with-opposition