નર્મદા યોજનાના મુદ્દે નરેન્દ્ર મોદી મને ક્યારેય મળ્યા જ નથી: ડૉ. મનમોહનસિંઘ
અમદાવાદ:
અમદાવાદ ખાતે વેપારીઓ સાથે વાતચીત કર્યા બાદ કૉંગ્રેસ ભવન ખાતે મનમોહનસિંહે નર્મદા મુદ્દે નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતા અને ઘટસ્ફોટ કર્યો હતો કે, હું વડા પ્રધાન હતો ત્યારે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન તરીકે નર્મદા મુદ્દે મારી સાથે ક્યારેય મુલાકાત કરી નથી.
નર્મદા યોજના માટે લોન આપવાની વર્લ્ડ બેંકે ના પાડી દીધી હતી ત્યારે હું નાણાં પ્રધાન હતો. તે સમયે નર્મદા માટે નાણાંની ફાળવણી મારા દ્વારા કરવામાં આવી હતી.
પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહે ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતના લોકો સાથે વર્તમાન આર્થિક પરિસ્થિતિ પર વિચાર વિમર્શ કર્યો હતો. ગુજરાત ચૂંટણી પહેલા તેમણે નૉટબંધી અને જીએસટી માટે વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.
તેમણે મહાત્મા ગાંધીની યાદ અપાવતા કહ્યું કે, મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, દુનિયામાં જ્યારે પણ તમે ડાઉટમાં હોવ ત્યારે તમારે ગરીબો વિશે વિચારવાનું. હું પીએમને પૂછવા માગું છું કે આટલો મોટો નિર્ણય લેતા પહેલા શું તેમણે ગરીબો વિશે વિચાર્યું હતું?
Source: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=385362