લોકશાહીમાં દેશને કોઇ પક્ષથી મુક્ત કરવાની વાત અયોગ્ય : પ્રણવ મુખર્જી
નવી દિલ્હી, તા. 17 ઓક્ટોબર, 2017, મંગળવાર
ભાજપ ગત લોકસભાની ચૂંટણીથી કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરતુ આવ્યું છે. આ માટે કેમ્પેઇન પણ ચલાવી રહ્યું છે. જોકે ભાજપના આ વિચારો સાથે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રરણ મુખર્જીએ અસહમતી વ્યક્ત કરી હતી. અને જણાવ્યું હતું કે વ્યક્તિગત રીતે હું એવુ માનુ છું કે આ વિવિધ રાજકીય પક્ષો વાળા દેશમાં કોઇ પક્ષના મિટાવવાના વિચારોથી હું સહમત નથી.
મુખર્જીએ જણાવ્યું હતું કે કોઇ પક્ષને મિટાવવાની કે તેનાથી દેશને મુક્ત કરવાની વાત અયોગ્ય છે કેમ કે આ દેશની જનતા દરેક પક્ષને તેની વિચારધારા, ફિલોસોફી વગેરેને ધ્યાનમાં રાખીને પોત પોતાની રીતે સ્વીકારતી હોય છે. અને તેમાં કંઇ જ ખોટુ નથી કેમ કે ભારત વિવિધ પક્ષોનો લોકશાહીથી ચાલતો દેશ છે.
મુખર્જીએ મોદી અંગે જણાવતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન પદે શપથ ગ્રહણ કર્યા તે પહેલા તેઓએ સાર્ક દેશોને ભારતમાં આમંત્રીત કરવાનો નિર્ણય લીધો હતો અને તેની સાથે હું સહમત થયો હતો. આ બહુ જ સારો વિચાર હતો. પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના વખાણ કરતા મુખર્જીએ જણાવ્યું હતું કે મમતા જન્મથી જ વિદ્રોહી છે, તેને ધ્યાન પર લેવા જ પડે.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/it-is-inappropriate-to-release-a-party-from-a-party-in-a-democracy-pranab-mukherjee#sthash.GYIisJcd.dpuf