ગુજરાતની જનતા સાથે દગો થયો છે : રાહુલ ગાંધીનું દાંતામાં સંબોધન

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૧૧મી નવેમ્બરથી ત્રણ દિવસની ઉત્તર ગુજરાતની યાત્રા શરૂ કરી છે. નવસર્જન ગુજરાત યાત્રાનો આ ચોથો અને છેલ્લો તબક્કો છે. આજે તેમણે વહેલી સવારે અંબાજી મંદિરમાં પૂજા-અર્ચના કરી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. અંબાજી ખાતે તેમણે સોશિયલ મીડિયા અને IT ટીમ સાથે બેઠક પણ કરી હતી.

રાહુલ ગાંધી નવસર્જન ગુજરાત યાત્રા દરમિયાન દાંતામાં આદિવાસી બાળકોને મળ્યા હતા. દાંતામાં પણ રાહુલ ગાંધીએ નોટબંધી, GST મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે લોકોને ફરી 15 લાખ રૂપિયા ખાતામાં જમા થયા વાળી વાતનો પ્રશ્ન પુછ્યો હતો અને મોદી સરકારમાં ગુજરાતની જનતા સાથે દગો થયો છે તેવી વાત ઉચ્ચારી હતી. તેમણે ગુજરાતમાં પરિવર્તનની જરૂર હોવાની વાત પણ પોતાના સંવાદમાં કરી હતી.

રાહુલ ગાંધીએ દાંતા અગાઉ અંબાજી ખાતે પણ કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેણે ભાજપ સરકાર પર વાકબાણ ચલાવ્યા હતા. રાહુલે નોટબંધીના નિર્ણયને મોદી સરકારની ભુલ ગણાવી હતી અને વધુમાં ઉમેર્યું હતુ કે સરકાર તેની ભુલ સ્વીકારતી પણ નથી. તેણે વિકાસ ગાંડો થયો છે વાળી વાતને યોગ્ય ગણાવી કહ્યું હતુ કે કોંગ્રેસ એવું કોઈ કામ નહીં કરે જેનાથી પ્રધાનમંત્રી પદની ગરીમાને ઠેસ પહોંચે.

આજના દિવસે દાંતા અને જલોત્રામાં રાહુલ ગાંધીનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. ડિસામાં તેઓ યુવા રોજગાર સભાને સંબોધશે ત્યારબાદ માલગઢમાં માળી સમાજ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરાશે. ભીલડી ખાતે પણ 101 ભૂદેવો દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરશે. આજે રાહુલ ગાંંધી થરામાં જનસભાને સંબોધશે. આ ઉપરાંત રાહુલ ગાંધી આજે ભરવાડ સમાજના વાળીનાથ મંદિરની પણ રાહુલ મુલાકાત લેશે.

Source: http://sandesh.com/rahul-gandhi-second-day-in-gujarat-amit-shah-first-day/